Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ટેલીકોમ બાદ DTH-ઇ કોમર્સ- બ્રોડબેન્ડમાં ધૂમ મચાવશે રિલાયન્સ

રિલાયન્સની એજીએમને સંબોધન કરતા મુકેશ અંબાણી : Jio ફોન લોન્ચ : યુ-ટયૂબ, વોટ્સએપ, ફેસબુક વગેરે સ્માર્ટ ફીચર્સ મળશે : કિંમત રૂ. ૨૯૯૯ : ૧૫ ઓગસ્ટે થશે લોન્ચઃ જિયો ગીગાફાઇબરનું એલાન : ૧૫ ઓગસ્ટથી રજીસ્ટ્રેશન : ૧૧૦૦ શહેરમાં લોન્ચ થશે : સસ્તા દરે બ્રોડબેન્ડ કનેકશન : જિયો પાસે ૨૨ કરોડ ગ્રાહકો

મુંબઇ તા. ૫ : રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક બેઠકમાં ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જીયો પર અનેક મોટા એલાન કર્યા છે. રિલાયન્સે હવે જિયો ફોન-૨ લોન્ચ કર્યો છે. આ ફોનમાં યુ-ટયુબ, વોટ્સએપ, ફેસબુક વગેરે સ્માર્ટ ફિચર મળશે. તેની સાથે મહત્વની જીયો એપ અને ફાઇબર બ્રોડબેન્ડ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

 

જિયોએ સૌથી સસ્તુ બ્રોડબેન્ડ કનેકશન ઉપલબ્ધ કરાવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત જીયો ગીગા રાઉટર તેમજ ગીગા ટીવી સેટટોપ બોકસ તેમજ ગીગા ટીવી કોલિંગનું પણ એલાન થયું છે. જિયો સ્માર્ટ હોમ સાથે સંબંધિત પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. જિયો ગીયા ફાઇબરમાં અનેક શાનદાર ફિચર્સ આપવામાં આવશે.

 

અંબાણીએ જણાવ્યું કે, ગયા વર્ષે ૨ ટકાની સરખામણીએ નાણાકીય વર્ષ ૨૦૧૮માં જિયોના કન્સોલિડેટ ઇબીઆઇ ડેટા અને રીટેલમાં ૧૩ ટકા વધ્યો છે. વધુમાં ઉમેર્યું કે, જીયો વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે તેમજ ભારતનું સૌથી ઝડપી નેટવર્ક છે. દેશના તમામ વિસ્તારો સુધી જીયોનું નેટવર્ક પહોંચાડાશે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે, એમબીપીએસના દિવસો ગયા અને આજનો સમય જીબીપીએસનો છે. જિયોની રેવન્યુ ૬૯ હજાર કરોડના આંકડાને પાર કરી લીધો છે. આકાશ અંબાણીએ કહ્યું કે, હવે તમારૃં ઘર સંપૂર્ણ રીતે વાઇ-ફાઇ કવરેજમાં હશે. દરેક ઉપકરણ, પ્લગ પોઇન્ટ અને કિ-પેડ પણ સ્માર્ટ બનશે. ૧૫ ઓગષ્ટથી ગીગા ફાઇબરનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમજ ફિકસ ફાઇબર સર્વિસ તથા ૨૪ કલાકની ઇમરજન્સી હેલ્પલાઇન લોન્ચ કરાઇ. ૧૫ ઓગસ્ટથી જિયો ફોન પર મળશે ફેસબુક - વોટ્સએપ અને યુ-ટયુબની સુવિધા મળશે.

રિલાયન્સે જીયો ફોન-૨ પણ લોન્ચ કર્યો છે. તેમાં હોરીજન્ટલ સ્ક્રીન બોર્ડની સાથે અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે. ૧૫ ઓગસ્ટથી જિયો ફોન-૨ માત્ર ૨૯૯૯ રૂ.માં મળશે. જિયો ફોન માટે મોનસુન હંગામા ઓફર્સનું પણ એલાન કરવામાં આવ્યું છે. ૨૧ જુલાઇથી ૫૦૧ રૂપિયામાં જુના જિયો ફોનના બદલે નવો ફોન મળશે. આ ઓફર ફકત જુના ફોન માટે જ છે. જિયો ફોન-૨ અનેક સુવિધાઓ હશે. તેમાં યુ-ટયૂબ, ફેસબુક, વોટ્સએપની પણ સુવિધા મળશે.  મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ ૨૨ મહિનામાં પોતાના ગ્રાહકોમાં બે ગણો વધારો કર્યો છે. હાલમાં ભારતમાં જિયો ફોનના ૨.૫ કરોડથી વધુ યુઝર્સ છે. (૨૧.૨૫)

રિલાયન્સ જિયો ફોન-૨ની જાહેરાત :

રૂ. ૫૦૦ આપીને જૂનો ફોન બદલી શકાશે

મુંબઇ તા. ૫ : આજે મુંબઈ ખાતે રિલાયન્સની ૪૧મી એજીએમ મળી છે. જેમાં જિયો ગ્રાહકો માટે મોટી જાહેરાત થઇ હતી. રિલાયન્સ જિયો ફોનના ગ્રાહકોને ટૂંક સમયમાં જિયોનો નવો ફોન જિયોફોન-૨ મળશે. જિયોફોન-૨ માટે ગ્રાહકો રૂ.૫૦૦ આપીને જૂના ફોનના બદલામાં નવો ફોન મેળવી શકશે.

આ ઉપરાંત એજીએમમાં એ પણ જાહેરાત થઇ હતી કે, જિયો ફોન પોતાના ગ્રાહકોને ટૂંક સમયમાં દુનિયાની સૌથી મોટી એપ યુટ્યુબ, ફેસબુક અને વોટ્સએપની ભેટ આપશે.  નવા ફોનને વોઇસ કમાન્ડથી કંટ્રોલ કરી શકાશે. દુનિયાની સૌથી પ્રચલિત એપ્લિકેશન ફેસબુક, વોટ્સએફ અને યુટ્યુબને વોઈસ કમાન્ડથી કંટ્રોલ કરી શકાશે.

કેવો હશે જિયોફોન-૨

    મોટું કી પેડ

    ૪જી સપોર્ટ

    ૨.૪ ઇંચનું ડિસ્પ્લે

    ૨૦૦૦ MAHની બેટરી

    ૨ મેગાપિકસલનો રિયર કેમેરા

    ૨ મેગાપિકસલનો ફ્રન્ટ કેમેરા

    ૫૧૨ એમબી રેમ

    ૪ GB સ્ટોરેજ

    ૧૨૮ GB સુધી સ્ટોરેજને વધારી શકાશે

એજીએમમાં કરેલી જાહેરાત પ્રમાણે આગામી ૧૫ ઓગસ્ટ ૨૦૧૮થી આ ફોન મળવાનો શરૂ થઈ જશે. જિયો ફોન મોનસુન હંગામા ઓફર અંતર્ગત આ ફોનને જૂના રિલાયન્સ જિયો ફોનને એકસેચન્જ કરવાની સાથે રૂ. ૫૦૦માં ખરીદી શકાશે. ૧૫ ઓગસ્ટથી આ ફોન રૂ.૨,૯૯૯ની કિંમત સાથે મળશે. (૨૧.૨૯)

(4:16 pm IST)