Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાષ્ટ્રવાદ અને હિન્દુત્વઃ ૨૦૧૯ માટે ભાજપનો એજન્ડા

કામગીરીના આધારે મત માંગવા કરતા 'લોકલાગણી'નો જુવાળ સર્જી મત મેળવવાનું સહેલુઃ કાશ્મીરમાં સપાટો બોલાવી ૩ રાજ્યોની ધારાસભાની અને લોકસભાની ચૂંટણીમાં એનો મબલખ લાભ લેવાનો ઈરાદો મંદિરનો મુદ્દો પણ ચગી શકે

રાજકોટ, તા. ૫ :. આવતા વર્ષના એપ્રીલ મહિનામાં આવી રહેલી લોકસભાની ચૂંટણી ફરી જીતવા માટે ભાજપે જોરશોર તૈયારી શરૃ કરી દીધી છે. એક તરફ વિકાસને ચૂંટણીનો સત્તાવાર મુદ્દો બનાવી મત માંગવામાં આવશે. બીજી તરફ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વનો મુદ્દો ઉપસાવી લોકલાગણીનો જુવાળ સર્જી મત મેળવવા માટે પ્રયાસ કરવાનો ભાજપનો ઈરાદો દેખાય રહ્યો છે. કામગીરીને આધારે મત માંગવા કરતા લોકલાગણીનો જુવાળ સર્જી મત મેળવવાનું સહેલુ હોવાનું ભાજપ જાણે છે. કાશ્મીરમાં ત્રાસવાદ સામે સત્તાથી સપાટો બોલાવી તેનો સીધો લાભ ચાલુ વર્ષમાં આવી રહેલી ૩ રાજ્યોની ધારાસભાની ચૂંટણીમા તથા લોકસભાની ચૂંટણીમાં લેવાનો ઈરાદો હોવાનું સાંભળવા મળે છે. રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ આવતા દિવસોના ભાજપના એજન્ડાના અગ્ર મુદ્દા હોવાની માહીતી મળી રહી છે.

કાશ્મીરમાં રાજ્ય સરકાર સાથેનુ ગઠબંધન ભાજપે તોડી નાખ્યુ છે. જેટલો સમય સત્તામાં રહ્યા તે વખતે સમગ્ર પરિસ્થિતિનો સત્તાવાર રીતે અભ્યાસ કરી લીધો છે. આવતા દિવસોમાં કાશ્મીર પ્રશ્ને સત્તાનો ઉપયોગ કરી એકદમ કડક હાથે કામ લઈ દેશવ્યાપી તેનો સંદેશ આપવાની ભાજપની ગણતરી છે. સરકારના હિંમતભર્યા પગલા સામે રાજકીય વિરોધીઓના મુદ્દા બુઠા થઈ જાય તેવી ભાજપની કલ્પના છે. આ કામ માત્ર મોદી સરકાર જ કરી શકે તેવુ વાતાવરણ સર્જવાનો પ્રયાસ થશે. ભૂતકાળમાં કારગીલ મુદ્દાને ભાજપે જે રીતે ચગાવ્યો હતો તે જ રીતે હવે લોખંડી ઢબે કામ લઈ રાષ્ટ્રવાદનો મુદ્દો ચગાવાઈ તો નવાઈ નહિં. ઉપરાંત બિનસાંપ્રદાયીકતાના મુદ્દે કોઈ નુકશાન ન જાય તે રીતે રામ મંદિરનો મુદ્દો ફરીથી ઉપાડવાનો સળવળાટ દેખાય છે. ચૂંટણી વખતે જે વાતાવરણ બને તે જ મતદાનમાં નિર્ણાયક બને છે તેથી સમય સંજોગો જોઈ ભાજપ રાજકીય પુષ્કળ ફાયદાવાળુ વાતાવરણ બનાવવા અલગ અલગ રીત-રસમો અપનાવશે તેવી માન્યતા અત્યારના નિર્દેશોથી દ્રઢ બની છે.

(11:53 am IST)