Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આવકવેરાના ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનાં રીફન્ડ ઇશ્યુ કરાયાં: કલેમમાંથી ૯૯ ટકાનું પ્રોસેસિંગ થયું

નવી દિલ્હી તા.૫: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસે જણાવ્યા મુજબ આવકવેરાના ૭૦ હજાર કરોડ રૂપિયાથી વધુનાં રીફન્ડ ઇશ્યુ કરી દેવાયાં છે. રીફન્ડ માટેના લગભગ બધા જ કલેમનું પ્રોસેસિંગ થઇ ચુકયું છે.

આવકવેરા ખાતાએ રીફન્ડ ચૂકવવા માટે ૧ થી ૧૫ મી જુન સુધીનું પખવાડિયું રાખ્યું હતું. પછીથી અમુક વિસ્તારો માટે એની મુદ્દત વધારીને ૩૦ જુન કરી દેવાઇ હતી. ખાતાએ રીફન્ડ અને સુધારાઓ માટેના ૨૦,૦૦૦ કરતાં વધારે કેસનો નિકાલ કર્યો હતો અને આવશ્યક હતું ત્યાં રીફન્ડ ચૂકવ્યું હતું.

આવકવેરાનાં રિટર્ન્સના પ્રોેસેસિંગ પછી પણ મોટી રકમ રીફન્ડ તરીકે ચૂકવવામાં આવી હોવાનું બોર્ડે જણાવ્યું છે.

બોર્ડે એક નિવેદનમાં જણાવ્યા મુજબ રીફન્ડના કેસમાંથી ૯૯ ટકા કરતાં વધારે કેસમાં ૩૦ જુન સુધીમાં રીફન્ડ ચૂકવી દેવાયાં હતાં.

એપ્રિલથી જુનના ગાળામાં ૪૫.૦૭ લાખ કેસમાં રીફન્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે.આ પ્રમાણ ગયા વર્ષ કરતાં નવ લાખ વધારે છે.

અસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-'૧૯ ના ત્રણ લાખથી વધારે રીફન્ડ માટેના કલેમ છેલ્લા થોડાં સપ્તાહમાં ફાઇલ કરવામાં આવ્યાં હતાં, જેમાં પણ ચૂકવણી કરી દેવાઇ છે એમ બોર્ડે જણાવ્યું છે.

(11:29 am IST)