Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ડ્રગ્‍સ રેકેટ કેસમાં નાર્કોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરો દ્વારા પોતાના 2 અધિકારી વિરૂદ્ધ એકશનઃ ભારતી-હર્ષ-દીપિકાની મેનેજર કરિશ્‍માને જામીન આપવામાં શંકાસ્‍પદ રોલ ભજવનાર 2 સસ્‍પેન્‍ડ

મુંબઇ: ડ્રગ્સ રેકેટ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ પોતાના બે અધિકારીઓ વિરૂદ્ધ એક્શન લીધી છે. મુંબઇ NCBના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમની પર શક છે કે કોમેડિયન ભારતીને તેના પતિ હર્ષ અને દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માને જામીન અપાવવામાં તેમનો રોલ શંકાસ્પદ રહ્યો છે.

આ સિવાય NCBના વકીલના રોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જ્યારે આ સ્ટાર્સના જામીનને લઇને સુનાવણી થવાની હતી ત્યારે વકીલ જ હાજર થઇ શક્યા નહતા જેને કારણે NCBનો પક્ષ રાખવામાં આવ્યો નહતો. આ બન્ને અધિકારીઓ પર વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે NCBએ કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી આશરે 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. જે બાદ ભારતીની ધરપકડ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જ્યારે ભારતીએ કોર્ટમાં જામીન માંગ્યા તો તેને આસાનીથી જામીન મળી ગયા હતા, કારણ કે NCBનો કોઇ અધિકારી અથવા વકીલ કોર્ટમાં હાજર નહતો.

આવુ જ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે થયુ હતું, જ્યા કુલ 1.7 ગ્રામ હૈશ જપ્ત થયો હતો. જ્યારે કરિશ્માએ જામીન અરજી નાખી ત્યારે પણ NCBનો કોઇ અધિકારી કોર્ટમાં નહતો અને જામીન મળી ગયા હતા. હવે NCB તરફથી NDPS કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ભારતી સિંહ, હર્ષને મળેલા જામીનને ચેલેન્જ કરવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ કેટલીક એજન્સીઓ મુંબઇમાં છે. કેસની તપાસ દરમિયાન ડ્રગ્સ સાથે જોડાયેલી વાતો સામે આવી હતી, જેની કડીઓ જોડવામાં આવી રહી છે. અત્યાર સુધી NCB કેટલાક ફિલ્મ સ્ટાર્સ, ટીવી સ્ટાર્સ, પ્રોડક્શન કંપનીઓ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી ચુકી છે.

(4:23 pm IST)