Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રશિયામાં આવતા સપ્તાહે લોકોને અપાશે કોરોના વેકસીન

સૌથી પહેલા શિક્ષકો અને આરોગ્ય વિભાગના લોકોને રસી આપવામાં આવશે

મોસ્કો,તા. ૩: રશિયામાં આવતા સપ્તાહે નાગરિકોને કોરોના વાયરસ વેકસીન આપવાનું કામ શરૂ કરાશે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને બુધવારે અધિકારીઓને આવતા સપ્તાહે કોરોના વાયરસની સામે વેકસીનેશન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પુતિને નાયબ વડાપ્રધાન તાતિયાના ગોલિકોવાને કહ્યું કે, તે આવતા સપ્તાહે તેમને રિપોર્ટ આપવાના બદલ સમગ્ર દેશમાં વેકસીનેશન શરૂ કરી દે. ઉલ્લેખનીય છે કે, બે-બે કોરોના વેકસીન બનાવાયા બાદ પણ રશિયામાં કોરોના વાયરસના મામલા સતત વધતા જઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એેએફપી મુજબ પુતિને એવું પણ કહ્યું છે કે, સૌથી પહેલા શિક્ષકો અને આરોગ્ય વિભાગના લોકોને રસી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રશિયામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૨૩,૪૭,૪૦૧એ પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના કારણે ૨૫ લોકોના મોત થયા છે. તો દેશમાં આ મહામારીથી મૃતકોની સંખ્યા ૪૧,૦૫૩ જણાવાઈ રહી છે. જોકે, દ્યણા તજજ્ઞોએ પહેલા જ આશંકા વ્યકત કરી છે કે, રશિયા પોતાને ત્યાં કોરોનાના કુલ કેસો છૂપાવીને ખોટા આંકડા રજૂ કરી રહ્યા છે.

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ૧૧ ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વાયરસ વેકસીન સ્પૂતનિક-વી બનાવાયાનો દાવો કર્યો હતો. તે પછી ઓકટોબરમાં પુતિને બીજી કોરોના વેકસીન ‘EpiVacCorona’ના શરૂઆતની ટ્રાયલ બાદ મંજૂરી આપી હતી. સ્પૂતનિક-વી વેકસીનને લઈને પુતિને એવો પણ દાવો કર્યો હતો કે, તેનાથી લોકો સાજા થવાની ઝડપ વધી છે અને તેમની દીકરીએ પણ તેનો ડોઝ લીધો છે.

સ્પૂતનિક વી વેકસીનને મોસ્કોની ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે રશિયાના સંરક્ષણ મંત્રાલયની સાથે મળીને એડેનોવાયરસને બેઝ બનાવીને તૈયાર કરી છે. રશિયાની વેકસીન સામાન્ય શરદી માટે જવાબદાર એડેનોવાયરસ પર આધારિત છે. આ વેકસીનને આર્ટિફિશિયલ રીતે બનાવાયા છે. તે કોરોના વાયરસ SARS-CoV-૨માં રહેલા સ્ટ્રકચરલ પ્રોટીની નકલ કરે છે, જેનાથી શરીરમાં તદ્દન એવો જ ઈમ્યૂન રિસ્પોન્સ ઊભો થાય છે, જે કોરોના વાયરસ ઈન્ફેકશનથી ઊભો થાય છે. એટલે કે, એક રીતે મનુષ્યનું શરીર તદ્દન એવી જ પ્રતિક્રિયા આપે છે, જેવી પ્રતિક્રિયા તે કોરોના વાયરસ ઈન્ફેકશન થવા પર આપે છે, પરંતુ તેમાં તેને કોવિડ-૧૯નાં જીવલેણ પરિણામ ભોગવવું પડે છે.

બીજી કોરોના વાયરસ વેકસીન ‘EpiVacCorona’ના સાઈબેરિયન બાયોટેક કંપનીએ વિકસિત કરી છે. પેપ્ટાઈડ આધારિત આ વેકસીન કોરોનાથી બચવા માટે બે વખત લેવી પડશે. મોસ્કો ટાઈમ્સ મુજબ, રશિયાના ડેપ્યુટી પીએમ તતયાના ગોલિકોવા અને કન્ઝુમર સેફ્ટી મોનિટરિંગ ઈન્સ્ટિટ્યૂટના ચીફ અન્ના પોપોવાએ પણ આ વેકસીન લીધી હતી.

રિપોર્ટ મુજબ, ડિસેમ્બર સુધીમાં રશિયાની ત્રીજી કોરોના વેકસીનને સરકારની મંજૂરી મળી જશે. વેકટરની યોજના છે કે EpiVacCorona વેકસીનના પહેલા ૬૦ હજાર ડોઝને બને તેટલા જલદી તૈયાર કરી લેવાશે. આ પહેલા રશિયાએ ૧૧ ઓગસ્ટે જાહેરાત કરી હતી કે, તેણે દુનિયાની પહેલી કોરોના વાયરસ વેકસીન Sputnik Vના મંજૂરી આપી દીધી છે.

(9:38 am IST)