Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

સેંસેક્સ ૮૫ પોઇન્ટ ઘટીને ૩૭,૫૨૨ની સપાટી ઉપર

નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ઉછાળો રહ્યો : બેંકિંગ શેરોમાં તેજી જામી : નિફ્ટી પણ ૧૦ પોઇન્ટ ઘટી ૧૧૩૪૬ની નીચી સપાટીએ રહ્યો : ઉથલપાથલનો દોર

મુંબઇ,તા.૧ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરીને  ૬.૫૦ ટકા કરી દેવામાં આવ્યા બાદ બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એકબાજુ ડોલર સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી બાજુ ફાગવામાં વધારો થઇ રહ્યો છે. વધતી જતી વર્તમાન ખાતાકીય ખાધ પણ પોલિસી નિર્ણય કરનાર લોકો માટે ખુબ મહત્વપૂર્ણ રહી છે. આજે સેંસેક્સ ૮૫ પોઇન્ટ ઘટીને ૩૭૫૨૨ની નીચી સપાટી ઉપર રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૧૧૩૪૬ની નીચી સપાટી ઉપર રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન બીએસઈ સેંસેક્સ ઓલટાઈમ હાઇ એટલે કે ૩૭૭૧૧ની ઉંચી સપાટી પર પહોંચ્યો હતો. નિફ્ટી ૧૧૩૯૦ની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આઈડીબીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંકમાં તેજી રહી હતી. ઓટો ઇન્ડેક્સમાં ૦.૭૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હાલ જાહેર થઇ રહ્યા છે. આના ભાગરુપે નેસ્લે ઈન્ડિયા અને ટાઈટન કંપનીના પરિણામ શુક્રવારે જાહેર કરાશે.  બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ ગુરૂવારે વ્યાજદર જાહેર કરવામાં આવનાર છે.  અમેરિકા દ્વારા શુક્રવારના દિવસે જુલાઈ મહિના માટેના ફાર્મ પેરોલના ડેટા પણ જાહેર કરવામાં આવનાર છે. ગયા શનિવારના દિવસે જીએસટી કાઉન્સિલની અતિ મહત્વપૂર્ણ  બેઠક મળી હતી. જેમાં જુદી જુદી ચીજવસ્તુઓ અને સર્વિસ પર ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેની અસર સપ્તાહ દરમિયાન બજાર પર જોવા મળી હતી. ગયા શનિવારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૧૨ પોઇન્ટ ઉછળીને ૩૭૬૦૭ની રેકોર્ડ ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૩૭ પોઇન્ટ ઉછળીને ૧૧૩૫૬ની સપાટીએ રહ્યો હતો. હાલમાં પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે.  

(7:41 pm IST)