Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

જેટ એરવેઝે ૨૫% સુધી પગાર ઘટાડયો

જેટ એરવેઝ કર્મચારીઓને વાર્ષિક ૩ કરોડનો પગાર ચૂકવે છે

નવી દિલ્હી તા. ૧ : જેટ એરવેઝ દ્વારા તેમના કર્મચારીઓની સેલેરીમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કર્મચારીઓને જણાવ્યું કે ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવને જોતા અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થતો હોવાથી કાર્યકારી ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. રૂ. ૧૨ લાખની વાર્ષિક કમાણી કરનારના પગારમાં કાપ ૫ ટકાથી નીચો રહેશે તો બીજી તરફ રૂ.૧ કરોડ અને તેની ઉપરની કમાણી માટે કાપ ૨૫ ટકાથી વધુ હશે.

આ પગાર કાપ કેટલા સમય સુધી ચાલશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉપરાંત કર્મચારીઓને જણાવવામાં પણ નથી આવ્યું કે તેમને રિફન્ડ મળશે કે નહીં. જેટ એરવેઝના પાઈલટના પગારમાં પણ કાપ મુકાશે. જેટ એરવેઝ હાલ સેલરી પાછળ દર વર્ષે રૂ.૩૦૦૦ કરોડનો કુલ ખર્ચ કરે છે. પરંતુ હવે આ મહિનાથી પગારમાં કાપ મુકવામાં આવશે. તેથી કુલ કર્મચારીઓની કિંમતમાં રૂ. ૫૦૦ કરોડ ઘટશે તેવી ધારણા છે.ઙ્ગ

એરલાઇન્સની ટોચની મેનેજમેન્ટે કર્મચારીઓ સાથે બેઠક કરી તેમની સેલરીમાં ઘટાડો કર્યો હોવાની માહિતી આપી હતી. આ વિશે જેટ એરવેઝને મોકલવામાં આવેલા ઇમેઇલનો હજુ કોઇ જવાબ મળ્યો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાઇલોટ્સની સેલેરીમાં લગભગ ૧૭ ટકા ઘટાડો કરવામાં આવશે. જેટ એરવેઝ સેલેરી પર વાર્ષિક ૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે. ત્યારે આ પગલા લગભગથી ૫૦૦ કરોડ રૂપિયાની બચત થશે. આ અગાઉ જેટ એરવેઝે ગયા વર્ષે ઓગસ્ટમાં પણ આ જ પ્રકારનો એક નિર્ણય લીધો હતો. જેમાં લગભગ ૩૫૦ જૂનિયર પાઇલોટ્સની સેલરી અને અન્ય બેનિફિટમાં આશરે ૩૦ ટકાનો ઘટાડો કરાયો હતો.

જોકે સેલેરીમાં થઇ રહેલા ઘટાડાનો પાઇલોટ વિરોધ કરી શકે છે. એરલાઇન્સના એક સીનિયર પાઇલોટે કહ્યું કે, 'આ પગલાનો પાઇલોટ વિરોધ કરી શકે છે કારણ કે હવે અન્ય તમામ એરલાઇન્સના પાઇલોટ્સ સહિત તેમના કર્મચારીઓ પણ સેલરી વધારવાની માંગણી કરી રહ્યા છે.' એક અન્ય સૂત્રએ જણાવ્યું કે એવિયેશન ઇન્ડસ્ટ્રી કમાન્ડરોને આકર્ષક ઇન્સેન્ટિવ્સની ઓફર કરી રહી છે કારણ કે એરલાઇન્સને તેમની ક્ષમતા વધારવા માટે કમાન્ડર્સની જરૂર છે. અન્ય એક પાઇલટે કહ્યું કે, 'જો સેલરીમાં ઘટાડો થયો તો અમે કોઇ રાઇવલ એરલાઇનમાં જોડાઇ જશું.'(૨૧.૨૭)

(4:20 pm IST)