Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મોંઘવારીની અસરઃ RBIએ વ્યાજદર વધાર્યાઃ લોન મોંઘી થશે

રીઝર્વ બેન્કે ૨૫ બેઝીઝ પોઈન્ટનો વધારો જાહેર કર્યોઃ રેપો રેટ ૬.૨૫ ટકાથી વધીને ૬.૫૦ ટકાઃ રીવર્સ રેપો રેટ ૬ ટકાથી વધી ૬.૨૫ ટકાઃ રીઝર્વ બેન્કે વ્યાજ વધારવા મામલે ૫ વિરૂદ્ધ ૧થી લીધો નિર્ણય : હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોનના હપ્તા વધશેઃ ઈંધણ મોંઘુ થયું, સરકારે ટેકાના ભાવ વધાર્યા, ડોલર સામે રૂપિયો ઘસાતા મોંઘવારીનું અનુમાન પણ વધારાયું

નવી દિલ્હી, તા. ૧ :. મોંઘવારીની અસર સ્વરૂપ રીઝર્વ બેન્કે આજે વ્યાજ દરોમાં ૨૫ બેઝીઝ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારાની સાથે રેપો રેટ ૬.૫૦ ટકા પર પહોંચી ગયો છે. વ્યાજ દરોમાં આ વધારાની સીધી અસર સામાન્ય લોકોના ગજવા પર પડશે. રેપો રેટ વધવાથી બેન્કોમાંથી હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન વગેરે લેવી મોંઘી પડશે. આના કારણે હવે તમારા ગજવા પર વધુ ઈએમઆઈનો બોજો પડશે.

આજે ભારતીય રીઝર્વ બેન્કે ક્રેડીટ પોલીસે જાહેર કરી છે. રીઝર્વ બેન્કે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો જાહેર કર્યો છે.

જેને કારણે રેપો રેટનો દર ૬.૨૫ ટકાની

વધીને ૬.૫૦ ટકા રહ્યો છે. જ્યારે રીવર્સ રેપો રેટ ૬ ટકાથી વધીને ૬.૨૫ ટકા રહ્યો છે. રીઝર્વ બેન્કની નીતિ સમિતિએ વ્યાજ દરમાં વધારાનો નિર્ણય સર્વાનુમતે લીધો નહોતો. ૬ માંથી ૧ સભ્યો રવિન્દ્ર ધોળકીયાએ વિરૂદ્ધમાં મત આપ્યો હતો. હવે ૫ ઓકટોબરના રોજ નવી ક્રેડીટ પોલીસી જાહેર કરવામાં આવશે.

રીઝર્વ બેન્કે વ્યાજ દરમાં વધારાનો નિર્ણય લીધો તેની પાછળ ક્રુડના ભાવમાં વધારો, ડોલર સામે રૂપિયો નરમ બનવો, સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવમાં વધારો જાહેર કરવામા આવ્યો સહિતની બાબતો જવાબદાર છે.

રીઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૧૯નો જીડીપી ગ્રોથનું અનુમાન યથાવત રાખ્યુ છે જે ૭.૪ ટકા રહેશે. ૨૦૧૯માં મોંઘવારીનો દર ૫ ટકા રહેશે. તેવુ રીઝર્વ બેન્કનુ અનુમાન છે. રીઝર્વ બેન્કનુ માનવુ છે કે આગામી દિવસોમાં ચૂંટણી પણ આવવાની હોવાથી મોંઘવારી પણ વધશે. મોંઘવારી વધે તો રીઝર્વ બેન્ક વ્યાજ દર વધારે છે. છેલ્લા થોડા સમયથી મોંઘવારીનો દર ઉંચકાયો છે.

ક્રેડિટ પોલિસી બાદ શેરબજારમાં જોરદાર રીકવરી

મુંબઇઃ રિઝર્વ બેન્કની પોલિસી બાદ શેરબજારમાં જોરદાર રીકવરીઃ નીફટીમાં નીચલા સ્તરેથી ૪૦ પોઇન્ટ તથા સેન્સેકસમાં ૧૪૦ પોઇન્ટનો સુધારોઃ ઓઇલ, ગેસ, ફાર્મા શેરોમાં તેજીઃ ૩ વાગ્યે સેન્સેકસ ૩૭૫૭૯ અને નીફટી ૧૧૩૫૯ ઉપર છેઃ  આજે સેન્સેકસ અને નીફટીએ ઇન્ટ્રાડે ઐતિહાસિક સપાટીને સ્પર્શ કર્યો હતોઃ સેન્સેકસ ૩૭૭૧૨ અને નીફટી ૧૧૪૦૦ સુધી પહોંચ્યા હતા

(3:32 pm IST)