Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

તપાસની ચિંતા વચ્ચે કેમિકલ ઇન્સ્પેકટરોનો સિરિયામાં પ્રવેશ

દમાસ્કસ તા. ૧૮ : મહત્ત્વના પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે એવી શકયતા હોવાની પશ્ચિમની મહાસત્તાઓ દ્વારા વ્યકત કરવામાં આવેલી ચિંતાના દિવસો બાદ કથિત રાસાયણિક હુમલાનો ભોગ બનેલા સિરિયાના અસરગ્રસ્ત શહેરમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય તપાસકર્તાએ પ્રવેશ કર્યો હતો.

દૌમા પર ૭ એપ્રિલે કરવામાં આવેલા કથિત રાસાયણિક હુમલામાં ૪૦ કરતા પણ વધુ લોકોના મોત થયા હતા અને પશ્ચિમની મહાસત્તાઓએ દોષનો ટોપલો સિરિયાના પ્રમુખ બશર-અલ-અસદ પર ઢોળ્યો હતો.

સિરિયામાં કરવામાં આવેલા કથિત રાસાયણિક હુમલાને મામલે પ્રતિક્રિયા આપતા અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયાના લશકરી સંસ્થાનો પણ અભૂતપૂર્વ મિસાઈલ હુમલા કર્યા હતા.

જોકે, ફ્રાન્સે મંગળવારે કબૂલ્યું હતું કે આ હુમલાઓને કારણે કોઈપણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી એમ છતાં એ હુમલા મહત્ત્વના હતા.

પશ્ચિમના દેશો દ્વારા હુમલા કરવામાં આવ્યા તે જ દિવસે તપાસકર્તાઓ દમાસ્કસ આવી ગયા હતા, પરંતુ તેમને દૌમામાં પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો.

ફ્રાન્સ અને અમેરિકાએ શંકા વ્યકત કરી હતી કે રશિયા અને સિરિયાના સંપૂર્ણ અંકુશ ધરાવતા એ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં તો તમામ પુરાવાઓ નાબૂદ કરી દેવામાં આવ્યા હશે.

ઓગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સના અમેરિકાના રાજદૂત કેન વોર્ડે સોમવારે દાવો કર્યો હતો કે રશિયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેની સાથે કશાંક ચેડાં કર્યા હોય તેવી પૂરી શકયતા છે.(૨૧.૭)

 

(12:04 pm IST)