Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

તાન્ઝાનિયામાં પપૈયાને કોરોના પોઝીટીવ!!

તાન્ઝાનિયાના પ્રમુખ જોન મુગુકુલીએ નેશનલ હેલ્થ લેબોરેટરીના વડાને પુછયું આ ટેસ્ટ ભરોસાપાત્ર છે ? વડાએ જવાબ આપ્યો, બિલકુલ ભરોસાપાત્ર છે સર! : લેબોરેટરીના વડા તાત્કાલીક સસ્પેન્ડ

તાન્ઝાનિયા એકમાત્ર એવો દેશ છે જયાં દેશના પ્રમુખે અત્યારના ભયાનક રોગચાળાની તપાસ કરનાર નેશનલ હેલ્થ લેબોરેટરીના વડાને કાઢી મૂકયા. એમ કરવાનું કારણ શું હતું? તાન્ઝાનિયાના પ્રમુખ જોન મગુફુલીએ નેશનલ હેલ્થ લેબોરેટરીના વડાને પૂછયું કે આ જે ટેસ્ટ થઈ રહ્યા છે એ ખરેખર ભરોસાપાત્ર છે? વડાએ જવાબ આપ્યો, બિલકુલ ભરોસાપાત્ર છે, સર!

જોન મગુફુલીએ લેબોરેટરીના વડા ન્યામ્બુરા મોરેમીની ખાતરીની જાતતપાસ કરવા માટે પોતાના સહાયકોની મદદથી કેટલાંક પશુઓ, વનસ્પતિ, ફળ અને વાહનમાં વપરાતા ઓઈલનાં સ્વેબ સેમ્પલ ખાસ નિશાની કરીને બધાં સેમ્પલોમાં મુકાવી દીધાં.

તપાસનાં રિઝલ્ટ આવ્યાં તો પપૈયાં, બકરી અને સમડીનાં સેમ્પલ પોઝિટિવ આવ્યાં. પ્રમુખે તાત્કાલિક લેબોરેટરીના વડાને સસ્પેન્ડ કરી દીધા અને ૧૦ નિષ્ણાતોની તપાસ સમિતિની રચના કરી દીધી. રાષ્ટ્રીય રેડિયો પર પ્રજાજોગ પ્રવચન આપતાં પ્રમુખે કહ્યું, સાધનોમાં ગરબડ હોઈ શકે, માણસોમાં પણ ગરબડ હોઈ શકે અને હું તો કહું છું કે આમાં કોઈ કાવતરું પણ હોઈ શકે. તાન્ઝાનિયા પૂર્વ આફ્રિકાનો દેશ છે. અહીં કોરોનાનો પહેલો કેસ ૧૬ માર્ચ, ૨૦૨૦ના દિવસે નોંધાયો હતો. આજ સુધીમાં ૪૮૦ કેસ નોંધાઈ ચૂકયા છે અને ૧૬ મૃત્યુ નિપજયાં છે. જયારથી આ વાઈરસ સામે આખા વિશ્વમાં બિહામણા રિપોર્ટ પ્રગટ થવા લાગ્યા છે ત્યારથી જ આ રિપોર્ટ ખોટા હોવાની વાતો પણ સંખ્યાબંધ નિષ્ણાતો કરી રહ્યા છે.

(3:47 pm IST)