Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

બારડોલી તાલુકામાં પગ પાસે અચાનક સાપ દેખાતા ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો: 17 મહિલા સહીત યુવાનને ઇજા: એકનું મોત

બારડોલી :તાલુકાનાં નિણતથી સરભોણ જતા રોડ ઉપર ટેમ્પા ચાલકનાં પગ પાસે અચાનક સાપ આવી જતા ટેમ્પા ચાલક અમલસાડી ગામના સરપંચે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પામાં બેઠેલા ૧૭ મહિલા અને એક યુવાન સહિત તમામને ઈજા થઈ હતી. જ્યારે ૪૮ વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પલસાણા તાલુકાનાં અમલસાડી ગામની મહિલાઓ ગુરુવારે સવારે બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામે અવસાનનાં બેસણામાં જવા માટે નીકળી હતી. અમલસાડી ગામનાં સરપંચ રોહીત પ્રવિણભાઈ હળપતિએ પોતાના મહીન્દ્રા પીકઅપ (નં.જીજે-૧૯-યુ-૦૨૮૭)માં ૧૭ મહિલા અને એક યુવાનને બેસાડી સવારે ૧૧ વાગ્યે વાંકાનેર ગામે જવા નીકળ્યો હતો. અમલસાડીથી સરભોણ જતા રોડ ઉપર નિણત ગામની સીમમાં ટેમ્પો પસાર થતો હતો. ત્યારે ટેમ્પા ચાલક રોહીત હળપતિનાં પગ પાસે કંઈક લાગતા તેણે જોતા સાપ નજરે પડયો હતો. સાપને જોતા તેણે બ્રેક મારવા જતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડ સાઈડે પલ્ટી મારી ગયો હતો. ટેમ્પામાં બેઠેલી તમામ મહિલાઓ એકબીજા ઉપર પડતા તેમજ ટેમ્પા સાથે અથડાતા માથા તથા શરીરે ઈજા થઈ હતી. તમામ ૧૮ ઈજાગ્રસ્તોને સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વનીતાબેન ધીરૂભાઈ હળપતિ (ઉ.વ.૪૮)ને ગંભીર ઈજાથી મોત થયાનું ફરજ પરના તબીબે બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે ટેમ્પા ચાલક અમલસાડી ગામનાં સરપંચ રોહીત હળપતિ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

 

 

(5:49 pm IST)