Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ, સરથાણા – સુરતમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઊજવાયો...

સાહિત્યકારોને સન્માનિત કરાયા... ઈશ્વર સદ્વિદ્યાના પૂર્વ વિદ્યાર્થીઓનું યોજાયેલ સંમેલન..

ગુજરાતનું ઐતિહાસિક, આધુનિક, સુંદર અને સોનાની મૂરત સમા સુરત શહેરમાં સ્થાપત્ય કલાનું નૌતમ નજરાણું શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણાના દશાબ્દી મહોત્સવના પ્રથમ દિનના અપરાહ્નકાળે દ્વિતીય સત્રમાં વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન, સાહિત્યકારોનું સન્માન, પૂર્વ છાત્રાલયના વિદ્યાર્થીઓના સંમેલનનો સમાવેશ થયો હતો.

બકુલેશ દેસાઈ, મુકેશ પટેલ, પ્રિન્સિપાલ પાડવી, ફયસલ બકીલી, નીના પટેલ, જિજ્ઞાસા સોલંકી, યામિની વ્યાસ વગેરે સુરત શહેરના નામાંકિત સાહિત્યકારોનું સમ્માન કરવામાં આવ્યું હતું. તેઓએ પણ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિને માતૃભાષાનું મહિમા ગાન કર્યું હતું. વળી, ભૂત નિબંધ – ગુજરાતી ગદ્યનો પ્રથમ ગ્રંથ અને હૂન્નરખાનની ચઢાઈ, ડૉ. રીઝવાન કાદરી લિખિત પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન પર્વે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, તમામ ભાષાઓમાં માતૃભાષા સર્વોત્તમ છે. માતૃભાષાની મહેંક દરેકના જીવનમાં મહેંકી ઊઠે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સૈકાઓ પૂર્વે આહલેક જગાવેલી તેના પરિપાક રૂપે વચનામૃત ગ્રંથ કે જે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણીની ભેટ ધરી છે. આ શીર્મોદ ગ્રંથ કે જેમાં ભગવદગીતા, રામાયણ. મહાભારત વગેરે ગ્રંથોનો સર વણી લેવામાં આવ્યો છે. આ મહાન ગ્રંથની વિશિષ્ટતા એ છે કે એક પણ શબ્દ અંગ્રેજી કે અન્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો નથી.

પૂર્વ છાત્રાલયના વિદ્યાર્થીઓ સંતો-ભક્તોએ છાત્રાલયના તે તે સમયના પ્રસંગ – પ્રવચન કર્યા હતા.

 

 

 

(1:16 pm IST)