Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આંદોલનકારોના મોરચા વિધાનસભા તરફઃ ભારે ઉચાટ

આરોગ્ય, શિક્ષણ્, એસ.ટી.ના કર્મચારીઓ અને સસ્તા અનાના દુકાનદારોના આક્રમક દેખાવથી પોલીસની કસોટીઃ ગાંધીનગરમાં પ્રવેશતા તમામ માર્ગો પર સધન ચેકીંગઃ આજે સત્રનો છેલ્લો દિવસઃ સચિવાલયમાં ધારાસભ્યો-અધિકારીઓ સિવાઇ કોઇને પ્રવેશ નહિ

ગાંધીનગર તા.રરઃ આજે વિધાનસભાના સત્રનો અંતિમ દિવસ છે. ત્યારે શિક્ષણ, આરોગ્ય, એસ.ટી. અને સસ્તા અનાજના દુકાનધારકો આમ ચાર મોરચાઓ આજે રાજ્યના પાટનગરને હચમચાવી રહયા છે. આંદોલનકારોને વિધાનસભા ભવન તરફ જતા રોકવામાં પોલીસની અગ્નિ પરીક્ષા થઇ જશે.

રાજ્યના પાટનગરમાં ધમાલ ન થાય તે બાબતને ધ્યાને લઇ સરકાર દ્વારા પોલીસ બંદોબસ્ત પુરતો ગોઠવવામાં આવેલ છે. ગાંધીનગરમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહયું છે. આજના બંદોબસ્તમાંં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા,ગાંધીનગર પોલીસનને વિશેષ જવાબદારીથી ચેકીંગ અંગેની કામગીરી સોંપવામાં આવી છે.

આજે વિધાનસભા ગૃહ ચાલુ હોવાથી સચિવાલય સંકુલમાં માત્રને માત્ર નોકરીયાત અને ધારાસભ્યોને પ્રવેશની મંજુરી આપવામાં આવી છે. જયારે મુલાકાતીઓને આજે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે.

ભૂતકાળમાં કેટલાંક આંદોલનકારીઓ કોઇને કોઇ રસ્તેથી સચિવાલય સંકુલમાં પ્રવેશ કરી ધાંધલ-ધમાલ કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાને લઇ સરકારે આજે સમગ્ર ગાંધીનગર શહેરના તમામ પ્રવેશ માર્ગો પર વિડિયોગ્રાફી અને વાહન ચેકીંગની પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છેે. સરકારે આજના દિવસે ગાંધીનગર શહેર અને સચિવાલય સંકુલમાં અનઅધિકૃત પ્રવેશ માટે પોલીસતંત્રને કડક આદેશો કરવામાં આવ્યા છે. આમ હવે દિવસ દરમ્યાન શું થાય છે તે જોવાનું રહયું. આ લખાય છે ત્યારે સવારે વાતાવરણમાં ઉચાટ જેવું દેખાય છે. બપોર સુધીમાં આંદોલનકારીઓ શું કરે છે? તે જોવાનું રહયું.(૧.૯)

(12:24 pm IST)