Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

આણંદ: રેલવે સ્ટેશન પર મુસાફરને નજીવી બાબતે માર મારી લૂંટ ચલાવી બે શખ્સો ફરાર

આણંદ: શહેરના રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે રાત્રીના સુમારે પ્લેટફોર્મ નંબર પાંચ પાસે આવેલી રેલવે લાઈન ઉપર ખુલ્લામાં કુદરતી હાજતે ગયેલા નડિયાદના ઝવેરીને બે શખ્સોએ માર મારીને તેની પાસેથી રોકડા ૭ હજારની લૂંટ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે રેલવે પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને બન્ને શખ્સોના વર્ણનના આધારે તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ભાલેજના પરંતુ હાલમાં નડિયાદ ખાતે રહેતા આબીદહુસેન નઝમુલહુસેન મલેક સોના-ચાંદીના દાગીના બનાવીને ગામડાઓમાં વેચવાનો ધંધો કરે છે. તેમના ભાગીદાર આણંદ ખાતે રહેતા હોય અને તેમણે કાનની બુટ્ટીઓ બનાવવા માટે આપી હોય ગઈકાલે લેવા માટે નડિયાદથી રાત્રીના સુમારે ટ્રેન મારફતે આણંદ આવ્યા હતા. સાડા આઠેક વાગ્યાના સુમારે આણંદના પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉતરીને ચાલતા-ચાલતા પાંચ નંબરના પ્લેટફોર્મ પર ગયા હતા જ્યાં પેટમાં દુ:ખાવો ઉપડતા અને ઝાડા થઈ ગયા હોય કુદરતી હાજતે જવું જ પડે તેમ હોય તેઓ પાંચ નંબરના પ્લેટફોર્મ નંબર ઉપર આવેલા શૌચાલયમાં ગયા હતા પરંતુ ત્યાં ગંદુ હોય પાછા આવીને બાંકડા ઉપર બેસી ગયા હતા. 
દરમ્યાન ત્યાં આવી ચઢેલા એક છોકરાને પુછતાં સામે આવેલી રેલવે લાઈન ઉપર જઈ આવો તેમ કહ્યું હતુ. જેથી આબુદહુસેન થોડે દુર રેલવે લાઈન ઉપર ખુલ્લામાં કુદરતી હાજતે ગયા હતા. પરત ફરતી વખતે નજીકની રેલવે લાઈન ઉપર સુઈ રહેલો એક શખ્સ આવી ચઢ્યો હતો અને આબીદહુસેને ખભે ભરાવેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ પ્રતિકાર કરીને દોટ મુકી હતી જેથી પેલો શખ્સ પણ પાછળ પડ્યો હતો અને બુશર્ટ પકડતાં ફાટી જવા પામ્યું હતુ જેથી ધક્કો મારીન ેપાડી દીધા બાદ ગડદાપાટુનો માર મારીને પાછળના ખીસ્સામાં રોકડા ૭ હજાર લૂંટી લીઘા હતા. દરમ્યાન બીજો શખ્સ પણ ત્યાં આવી ચઢ્યો હતો અને બેથી ત્રણ જેટલા લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આબીદહુસેન ત્યાંથી રેલવે સ્ટેશન પર આવેલી ચોકીએ આવ્યા હતા. જ્યાં બીપીની બીમારી હોય તુરંત જ સારવાર માટે દવાખાને ગયા હતા અને ત્યાંથી સારવાર કરાવ્યા બાદ પરત આણંદ રેલવે સ્ટેશને આવીને પોતાની ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરીને બન્ને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:44 pm IST)