Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ર૪ વર્ષ પહેલા અકસ્‍માતમાં વડોદરાના તરસાલી પરિવારના દિકરાનું મૃત્‍યુ હવે છેક વળતર મળ્યું

વડોદરાઃ ર૪ વર્ષ પહેલા અેક અકસ્‍માતમાં વડોદરાના તરસાલી પરિવારના દિકરાનું મૃત્‍યુ થયુ હતું. અને તેનું હવે છેક વળતર તેઓના પરિવારને મળ્યું છે.

ફતેહગુંજની ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતો જયકુમાર લાલવાણી 4 ડિસેમ્બર 1993ના રોજ તેના મિત્રો સાથે રિસેસ દરમિયાન બહાર નાસ્તો કરવા ગયો હતો. જયકુમાર નાસ્તો કરી રહ્યો હતો ત્યારે અહમદ પટેલ નામના ડ્રાઈવરે બેદરકારીથી બસને રિવર્સ કરી જેને પગલે જયકુમાર બસની અડફેટે આવી ગયો હતો. તુરંત તેને એક ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી ડૉક્ટરોએ SSG હોસ્પિટલે લઈ જવાની સલાહ આપી હતી. જ્યાં સારવાર દરમિયાન જયકુમાર લાલવાણીનું મૃત્યુ થયું હતું.

ફેબ્રુઆરી 1994માં લાલવાણીના પિતા ગોવિંદરામે ટ્રીબ્યુનલ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 2 લાખનું વળતર મેળવવા ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) અને ડ્રાઈવર અહમદ પટેલ વિરુદ્ધ કેસ કર્યો. બચાવ પક્ષે ફરિયાદીના તમામ આરોપો નકારી કાઢ્યા હતા, જ્યારે જયકુમાર લાલવાણી નાસ્તો કરી રહ્યો હતો તે દુકાનદારે કઈ બસથી અકસ્માત થયો તેને ઓળખી કાઢી હતી. બે દાયકા બાદ ટ્રીબ્યુનલે લાલવાણી પરિવારને ન્યાય આપ્યો.

પોતાના ચુકાદામાં ટ્રીબ્યુનલે કહ્યું કે એસટી બસ હેવી વ્હીકલ છે અને સ્કૂલની બાજુમાં બસ ચલાવવામાં ડ્રાઈવરે જો કાળજી રાખી હોત તો આ અકસ્માતને ટાળી શકાયો હોત. ટ્રીબ્યુનલે ડ્રાઈવર અને એસટી બસને 24 વર્ષનું 9 ટકા વ્યાજ સહિત વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. ફરિયાદી પક્ષના વકીલ તુષાર વ્યાસે કહ્યું કે કોર્ટે આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

(1:16 am IST)