Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

બે દાયકા પહેલાની રાજ્યની કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ નિંદાને લાયક હતીઃ વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં લોક રક્ષક દળના જવાનોનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો

અમદાવાદઃ આજે અમદાવાદમાં વિશાળ સંખ્યામાં લોક રક્ષક દળ (LRD)ના જવાનોએ આકરી ટ્રેનિંગ બાદ ‘દીક્ષાંત પરેડ’ એટલે કે પાસિંગ આઉટ પરેડ યોજી. શાહીબાગ પોલીસ મુખ્ય મથક પર આ પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોની સેવા માટે જનારા પોલીસકર્મીઓને સંબોધિત કર્યા હતા. રુપાણીએ નવા જોડાયેલા પોલીસકર્મી યુવાનોને કહ્યું, બંધારણને માન આપીને, બંધારણે આપેલી સત્તાને ધ્યાનમાં રાખીને પોલીસ જવાનો સમાજની સલામતી, શાંતિ અને સુરક્ષા માટે કામ કરે.

આજે શાહીબાગ પોલીસ મથકે યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં 2301 યુવાનો જોડાયા હતા જેમણે એક વર્ષની ટ્રેનિંગ દરમિયાન સખત મહેનત અને પરિશ્રમ કર્યો છે. આ જવાનોમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થયો હતો.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાસિંગ આઉટ પરેડ દરમિયાન બે દાયકા પહેલાની રાજ્યની કાયદો અને વ્યવસ્થાની નિંદા કરીને કહ્યું, આપણે હવે સરકાર ની સંકલ્પ બદ્ધતા અને યુવા પોલીસ શકિતના આત્મ વિશ્વાસ થી ગુજરાત માં કોઈ ગુનેગાર આંખ પણ ઊંચી ન કરે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરી છે.

આ પ્રસંગે રાજ્યના પોલીસ અધિકારીઓ સહિત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. જવાનોએ ઉત્સાહ ભેર સખત મહેનત અને પરિશ્રમ સાથે કરેલી તૈયારીઓનું પણ અહીં પ્રદર્શન કર્યું હતું.

(7:04 pm IST)