Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

RTEમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

દોઢ માસ મોડી પ્રવેશ કાર્યવાહી : ગરીબ તેમજ મધ્યમવર્ગના બાળકોને શિક્ષણ મળે તે માટે RTE જોગવાઇમાં પ્રવેશ માટે વાલીઓની દોડધામઃ નામાંકીત શાળામાં પ્રવેશ આજથી પ્રથમ માંગ

રાજકોટ તા. ૧૯ : ભારત સરકારે તમામ બાળકો શિક્ષણનો અધિકાર મેળવે તે માટે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવ્યો. દોઢ માસ બાદ ગુજરાત રાજ્યમાં RTE પ્રવેશની ઓનલાઇન કાર્યવાહી શરૂ થઇ છે.

લાંબા સમયના વિલંબ પછી આખરે રાઇટ ટુ એજયુકેશન એકટ (RTE) હેઠળની પ્રવેશ પ્રક્રિયાનો આજથી વિધિવત્ રીતે પ્રારંભ થયો છે. ધોરણ-૧માં પ્રવેશ મેળવવા માગતાં પાંચ વર્ષ પૂરાં કરી ચૂકેલાં ગરીબ અને વંચિત જૂથનાં બાળકોના વાલીઓ આજથી તા.૧૯ એપ્રિલથી તા. પ મે સુધી ઓનલાઇન એડમિશન ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા સાથે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવી શકશે.

૧ જૂન, ર૦૧૮ના સમયમાં જે બાળકે પાંચ વર્ષ પૂરાં કર્યાં હશે તે બાળકોને આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મળી શકશે. બે મહિનાના વિલંબ બાદ આ પ્રક્રિયા આ વર્ષે શરૂ થઇ રહી છે. પ્રવેશ મેળવવા ઇચ્છતાં બાળકોના વાલીઓએ www. rtegujarat.org વેબ પોર્ટલ પર પ્રવેશફોર્મ ભરવું પડશે.

અરજી સાથે કયા આધાર-કયા પુરાવા રજૂ કરવાના રહેશે તે અંગેની માહિતી પોર્ટલ પર મુકવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પણ આ માહિતી નોટિસબોર્ડ પર મુકાઇ છે. ઓનલાઇન પ્રવેશફોર્મ ૧૯ એપ્રિલથી પ મે સુધી ભરી શકાશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તેની સાથે જરૂરી આધાર- પુરાવા જોડીને નજીકના સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાના રહેશે.

શાળાનું લોકેશન ગૂગલ મેપ દ્વારા દર્શાવાયું છે, જે જોઇને વાલી કન્ફર્મ કરી શકશે કે તે શાળામાં તેમના બાળકને એડમિશન અપાવવા ઇચ્છે તે શાળા તે જ છે. રિસીવિંગ સેન્ટરનો સમય સવારના ૧૧ થી પ સુધીનો રહેશે.

(1:01 pm IST)