Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પૂનમે નર્મદામાં ડુબકી લગાવવા આવેલા ભાવિકોમાં નિરાશાઃ સ્‍વચ્‍છતા અભિયાન થકી પાણી વહેતુ થાય તો બોટ ચલાવનારાઓને રોજીરોટી મળે

નર્મદાઃ ગુજરાતી કેલેન્ડરમાં અધિકમાસ ખુબ જ પવિત્ર કહેવાય છે અને આ અધિકમાસ દર ત્રણ વર્ષે આવે છે હાલ અધિક જેઠ માસ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ અધિક જેઠ દર 18 વર્ષે આવે છે. ચાલુ વર્ષે આ અધિકમાસમાં પૂનમના દિવસે નર્મદા સ્નાન કરવાનો અનેરો મહિમા છે.પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો નર્મદામાં આસ્થાની ડૂબકી મારી ધન્યતા અનુભવે છે. પરંતુ હાલ નર્મદા ડેમમાં જળ સકંટને કારણે નદી હાડ પિંજર બની છે ત્યારે આ નદીમાં પાણી ન હોવાથી નર્મદા કાંઠે વસતા સેંકડો નાવિકોની રોજગારી પણ છીનવાય ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં નર્મદા નદી પણ લુપ્ત થાય જેવું લાગી રહ્યું છે. 

પૂનમે નર્મદા સ્નાનનો અનેરો મહિમા છે શાસ્ત્રોમાં તો માં નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થવાનો ઉલ્લખે છે પરંતુ નર્મદામાં ડૂબકી લગાવી પુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર કંઈક અલગ જ હોય છે. તેથી જ પૂનમે હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભાવિકો નર્મદા સ્નાન માટે આવે છે પરંતુ હાડપિંજર જેવી વહેતી નર્મદા જોઈને ભાવિકોની લાગણી દુભાય છે. વળી નર્મદાનો તટ ખુબ જ સાંકડો થઇ જવાથી નર્મદા દરદુડીની જેમ વહે છે એટલે આ પવિત્ર નદીમાં ગંદકી પણ ખુબ વધી ગઈ છે. ત્યારે ભક્તો હાલ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સમગ્ર ભારતમાં સ્વછતા અભિયાન ચાલે છે ત્યારે અહીં પણ સ્વચ્છતા અભિયાન ચલાવે અને સાથેજ આસ્થાના પ્રતીક સમી આ નર્મદાનું પાણી જે રોકી રહ્યું છે તે વહેતુ થાય તો માં નર્મદ બંધનમાંથી મુક્ત થાય અને ખળખળવહેતી થાય તો ભક્તિ આસ્થાની ડૂબકી લગાવી શકે. 

નર્મદા જિલ્લામાં આવેલ પોઇચા ખાતે ત્રણ નદીનો સંગમ છે એટલે આ જગ્યા નું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે ધાર્મિક આસ્થાની સાથે અહીં શ્રદ્ધાળુઓ કર્મકાંડ માટે પણ આવતા હોય છે. વળી સામ તટે કુબેર ભંડારી દાદાનું મંદિર હોવાથી દર અમાસ અને પૂનમે લાખો ની સંખ્યામાં અહીંશ્રદ્ધાળુઓ  આવતા હોય છે. નર્મદા નદી માં સ્નાન કરી આસ્થાની ડૂબકી મારી નાવડીમાં બેસી આનંદ પ્રમોદ સાથે સામ તટે જતા હોય છે. પરંતુ હાલ નર્મદા તટ ખુબ જ સાંકડો હોવાથી ભાવિકોને નાવડીમાં બેસવાની પણ જરૂર રહેતી નથી અને ચાલતાંજ નર્મદા નદી પાર કરી શકાય તે સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે આ ચાંદોદ તટે લગભગ 120 નાવિકોની રોજગારી માટે પણ પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે હવે પછી ની અઢાર વર્ષ બાદની પૂનમ બાદ નર્મદાનો તટ હશે કે કેમ એ પ્રશ્ન છે ત્યારે સરકારે આ નાવિકોની રોજગારી માટે તેમજ ભાવિકોની આસ્થા માટે પણ નર્મદા વહેતી રાખવી જોઈએ તેમ અહીંના સ્થાનિક નાવિકો ઈચ્છી રહ્યા છે.

સરકાર એક તરફ નર્મદ પૂજન અને નર્મદા જયંતિ જેવા કાર્યક્રમો કરી લોકોમાં માં નર્મદા તરફ આસ્થા હોવાનું જાહેર કાતરે છે. ત્યારે બીજી તરફ જે જિલ્લામાં માં નર્મદા ખડખડ વહેતી હતી ત્યાં જ નર્મદા હાડપિંજર બની છે ત્યારે વેદ અને પૂરાણમાં જેનો ઉલ્લેખ છે તેવી માં રેવાને સદાકાળ વહેતી રાખવા ભક્તોની અપીલને ધ્યાને લઇ ગુજરાત સરકારે નર્મદામાં પૂરતું પાણી છોડવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

(4:49 pm IST)