Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગુરુવારથી લાઇસન્સની હાર્ડ કોપી બતાવવી ફરજીયાત નહિ: ડ્રાઇવરોની કનડગત ઓછી કરવા પગલાં ભરાશે

ઇલેક્ટ્રોનિક માધ્યમોથી માન્ય દસ્તાવેજ બતાવવામાં આવશે તો તેને માન્ય ગણાશે

અમદાવાદ : ડ્રાઇવિંગ દરમ્યાન ટ્રાફિક ચેકીંગ કે પોલીસ પોઇન્ટ ઉપર વાહન રોકવામાં આવે તો હાર્ડકોપી લાઇસન્સ સાથે રાખવું હવે ફરજીયાત નહિ રહે. ૧ ઓક્ટોબરથી લાગુ થનાર નવા નિયમો મુજબ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી માન્ય દસ્તાવેજ બતાવવામાં આવશે તો તેને માન્ય ગણી ફરજ ઉપરના અધિકારી હાર્ડ કોપીની માંગણી કરશે નહિ.ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-ચલન સહિતના વાહન સંબંધિત તમામ દસ્તાવેજોની માહિતી ટેકનોલોજી પોર્ટલ દ્વારા 1 ઓક્ટોબર, 2020 થી જાળવવામાં આવશે જેનું સમયાંતરે અપગ્રેડેશન પણ કરવામાં આવશે.

વાહનના દસ્તાવેજોની તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી માન્ય વાહનોના દસ્તાવેજોની જગ્યાએ હાર્ડકોપીમાં દસ્તાવેજોની માંગ કરવામાં આવશે નહીં. નવા નિયમો અનુસાર વાહનથી સંબંધિત કોઈપણ દસ્તાવેજની કાર્યવાહી અથવા તપાસ કરવાની કામગીરીનો રેકોર્ડ પોર્ટલ ઉપર ઉપલબ્ધ રહેશે. પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈપણ અધિકારીની ઓળખ અને નિરીક્ષણનો સમય પોર્ટલ પર રેકોર્ડ કરવામાં આવશે. આ પ્રક્રિયા ડ્રાઇવરોને વારંવાર અને એકજ પોઇન્ટ ઉપર તપાસ સહિતની મુશ્કેલીથી મુક્તિ આપશે. 1 ઓક્ટોબર, 2020 થી વાહન સંબંધિત દસ્તાવેજો અને ઇ-ચલન્સ પોર્ટલ ઉપર સ્ટોર રખાશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ વધુ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા માટેના નિયમોને સરળ બનાવ્યા છે. હવે આધાર કાર્ડનો ઉપયોગ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે મુખ્ય દસ્તાવેજ તરીકે કરાશે. લાઇસન્સના રીન્યુઅલ, વાહનની નોંધણી અને દસ્તાવેજોમાં સરનામું બદલવા માટે આધાર રજૂ કરવાનું રહેશે.

(8:43 pm IST)