Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સુરતમાં આઇપીએલ પર સટ્ટો રમાડનાર શખ્સને ત્યાં પોલીસે છાપો મારી 30 હજારની રોકડ સહીત અન્ય સામાન જપ્ત કર્યો

સુરત:દુબઇ ખાતે હાલ ચાલી રહેલી આઈપીએલની 20-20 મેચ હેઠળ ગતરોજ કિંગઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઉપર મોબાઈલ એપથી સટ્ટો રમાડતા આધેડને મહિધરપુરા પોલીસે નવાપુરા ગોલવાડના એક મકાનમાં છાપો મારી રોકડ, અન્ય સામાન મળી રૂ.30,570 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી બિગતો મુજબ, મહિધરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે પોલીસે ગતરાત્રે નવાપુરા ગોલવાડ હનુમાન ટેકરી 2 ઘર નં.3/3418 માં છાપો મારી ત્યાં ટી.વી. ઉપર આઈપીએલની 20-20 મેચ હેઠળ કિંગઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઉપર મોબાઈલ એપ ક્રીકેટ લાઇન ગુરૂમાં સટ્ટો રમાડતા અશોકભાઇ ભગવાનદાસ રાણા ( ઉ.વ.56 ) ને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.7270, ટી.વી., ત્રણ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.30,570 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે અશોકભાઈ જેની પાસે સટ્ટાનો ભાવ લખાવતા હતા તે જીતુ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અશોકભાઈ અગાઉ પણ ક્રિકેટનો સટ્ટો રમાડતા ઝડપાયા હતા. 

(5:36 pm IST)