Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજ્યમાં ૩ અઠવાડિયાથી અવિરત જનજાગૃતિ વધારતો કોવિડ રથ

ગઢડા પંથકમાં કેન્દ્રના માહિતી વિભાગના ગુજરાતના વડા ડો. ધીરજ કાકડીયાના હસ્તે દવા વિતરણ

અમદાવાદ,તા. ૨૮: ગુજરાતના તમામ જિલ્લાઓના ગામડાઓ સુધી કોરોના જાગૃતિનો સંદેશનો પ્રચાર-પ્રસાર કરવા કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને યુનિસેફ દ્વારા કોવિડ વિજય રથ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે એકવીસમા દિવસે વિજય રથની કૂચ રાજયના સીમાડાના જિલ્લામાં પહોંચી હતી અને ગામેગામ લોકોમાં વિના મૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું.

આજે એકવીસમા દિવસે રથ પ્રસ્થાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ ગઢડા સરકારી આરામગૃહ ખાતેથી કરવામાં આવ્યું. બોટાદ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી વાલજીભાઇએ લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે ગઢડાના પોલીસ સ્ટેશન ચોક, વડલીવાળો ચોક, ભડલી ચોક, બોટાદ ઝાંપો, આંબેડકર નગર, આયર વાસ વગેરે વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળાના માધ્યમથી લોકોને કોરોના અંગે સાચી માહિતી આપી હતી.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના પી.આઈ.બી અને આર ઓ બી, ગુજરાત એકમના વડા, અપર મહાનિદેશક ડાઙ્ખ. ધીરજ કાકડિયાએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિસ્તારમાં તેમની મુલાકાત દરમિયાન લોકોનો સંપર્ક કરીને ભારત સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ વિશે વાત કરી, કોરોના સંકટ દરમિયાન લોકોને સહારો રહે તે અંગે લોકોને ધૈર્ય તથા સાવધાની રાખવાની પણ તેમણે વાત કરી. તેમણે પ્રજા લક્ષી, પ્રજાના હિતમાં થઇ રહેલા કામ અંગે પણ લોકો જોડે ચર્ચા કરી. તેમણે ત્યાંના સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યુ હતું. મુલાકાત દરમિયાન કોવિડ વિજય રથમાં સવાર કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો અને આગામી દિવસોમાં રથ બીજા ગામોમાં જઈને કોવિડ અંગે લોકોને જાગૃત કરે અને સાવચેતી, સલામતી અને સુરક્ષાનો સંદેશ અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે એવી શુભકામનાઓ આપી હતી.

આમ ૪૪ દિવસના આ અભિયાનના સળંગ એકવીસમા દિવસે ૫ કોવિડ વિજય રથે ગુજરાતના દૂરસુદુરના ગામડાઓમાં જઈને કોરોના અંગે લોકોને જાગૃત કર્યા હતા. આ સમગ્ર યાત્રા દરમિયાન કલાકારોએ સામાજિક અંતર અને કોવિડ માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું.

(11:45 am IST)