Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જગન્નાથજીનો જયજયકાર... રથયાત્રાના રંગે શોભે નગર

કોરોનાના કારણે બે વર્ષ પછી શુક્રવારે અમદાવાદમાં યોજાનારી પુર્ણરૂપની રથયાત્રાની ઇતિહાસની અટારીએથી ૧૪૫ વર્ષની ઝલક : પહેલી રથયાત્રા ૨૦૦ વર્ષ પહેલાં ભરૂચના કૂરજા બંદરે યોજાઇ પછી ખલાસી ભાઇઓના ભકિતભાવ-લાગણીથી જગન્નાથજીની નગરચર્ચા શરૂ થઇ :કોમી વિખવાદ વિસરીને કોમી એખલાસની આહલેક જગાવવાનો અવસર બની રહી

આગામી શુક્રવાર, ૧ જુલાઇએ અષાઢી બીજ, અષાઢી બીજે અમદાવાદમાં  ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્ચાએ નીકળશે. વર્ષ ૧૮૭૮થી ચાલી આવતી રથયાત્રાની પરંપરા અટકી નહોતી પણ કોરોનાના કારપણે બે વર્ષથી પ્રતિકરૂપ રથયાત્રા યોજાઇ હતી. રથયાત્રાનો હિસ્‍સો નહીં બની શકેલાં લાખો ભકતોને ભગવાનના દર્શન વગર સૂનું સૂનું લાગી  રહ્યું છે. બે વર્ષ પછી શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં યોજાનાર છે. ગુજરાતમાં જગન્નાથજીની રથયાત્રાનો ઇતિહાસ ૨૦૦ વર્ષ કરતાં જુનો છે. પણ , અમદાવાદની રથયાત્રા ભારતમાં જગન્નાથપુરી પછી બીજા ક્રમની વિશાળ રથયાત્રા ગણાવાય છે. ભગવાન  જગન્નાથજીનો જયજયકાર કરવા અમદાવાદનગર શોભી રહ્યું છે, થનગની રહ્યુ છે. બદલતાં સમય સાથે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ૧૪૫મી રથયાત્રા કોમી એખલાસનો નવો ઇતિહાસ આલેખી જાય તેવો વિશ્વાસ જન-જનમાં કેળવ્‍યો છે. રથયાત્રાનો આનંદ ઘરબેઠાં ટી.વી.ઉપર પ્રત્‍યેક ભાવિકોના મનમાં રેલાય તે પેહલાં અમદાવાદની રથયાત્રા ૧૪૪ વર્ષના ઇતિહાસની ઝલક.

ગુજરાતનાં રથયાત્રાનો ઇતિહાસ ૨૦૦ વર્ષ જૂનો

ઉત્‍સાહ અને શ્રધ્‍ધાનું સ્‍વરૂપ એવી રથયાત્રાનો ગુજરાતમાં પ્રાંરભ અંદાજે ૨૦૦ વર્ષ પહેલાં થયો હતો. જાણકારો કહે છે કે, ગુજરાતમાં સહુ પ્રથમ રથયાત્રા ભરૂચના કૂરજા બંદરે યોજાઇ હતી. ભરૂચના ભોઇ સમાજે ૧૭મી સદીમાં નર્મદા નદીના પવિત્ર કિનારે કૂરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીના મંદિરનું નિર્માણ કર્યુ હતું નર્મદા નદીથી આવતાં દેશ-વિદેશના મોટા વહાણો કૂરવજા બંદરે લાંગરતા અને ભોઇ સમાજના લોકો અહીં કામ કરતાં હતાં. ઓરિસ્‍સાથી આવતા મજૂરો સાથે સંપર્કમાં આવેલા ભોઇ સમાજના શ્રમિકોએ ઓરિસ્‍સામાં ભગવાન જગન્નાથજીની ગાથા જાણી જગન્નાથજી મંદિર નિર્ર્માણનો નિર્ણય કર્યો હતો. આ વિસ્‍તારમાં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના રેસના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીની પ્રતિમા તૈયાર કરી મંદિરમાં સ્‍થાપન કરાયુ હતું. ભરૂચમાં દર અષાઢી બીજે રથયાત્રા યોજાય છે.

૪૦૦ વર્ષ જૂના હનુમાન મંદિરના મહંત નરસિંહદાસજીને સ્‍વપ્ન આવ્‍યું ને જગન્નાથજી મંદિરની સ્‍થાપના થઇ

ખલાસ પરિવારોના વડીલ એવા ૮૪ વર્ષના વૃધ્‍ધ કહે છે કે, જગન્નાથજીનું મંદિર છે તે જગ્‍યા પર પહેલાં હનુમાન દાદાનું મંદિર હતું આ હનુમાનમંદિરની સ્‍થાપના ૪૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ મંદિરમાં નરસિંહદાસજી મહારાજ સેવા આપતા હતા. કલરકામ અને છાપરા સંચારવાનું, ગોઠવવાનેું કામ કરતા ખલાસી પરિવારો આ મંદિરે દર્શન કરવા માટે આવતા અને ભજન-કિર્તન કરતા હતા. નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્‍વપ્નમાં આવ્‍યાં ને સાબરમતી નદીના આરામાં ભગવાન જગન્નાથજીની મૂર્તિનું સ્‍થાપન કરીને દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાનું ઇજન આપ્‍યું. નરસિૅહદાસજી મહારાજે ખલાસી ભાઇઓને રથ બનાવવાની જવાબદારી સાોંપી. ભરૂચથી બીજા ખલાસી ભાઇઓને બોલાવીને વર્ષ ૧૮૭૮માં પ્રથમ રથયાત્રા યોજવામાં આવી હતી. રથયાત્રા પૂર્વ જલયાત્રા, જયેષ્‍ઠ અભિષેક, મોસાળુ, નેત્રોત્‍સવ જેવી વિધિઓ અને પરંપરાઓ કરવામાં આવી છે. રથયાત્રા પ્રસ્‍થાન પૂર્વે ગુજરાતના મુખ્‍યપ્રધાન દ્વારા પહિંદ વિધી અંતર્ગત પ્રતિકાત્‍મક રીતે ભગવાનના રથનો રસ્‍તો સાફ કરવાની પરંપરા છે.

ગુરુ ભાઇના અનુગ્રહથી સરસપુરમાં ભગવાનનું કરવાની પરંપરા

રથયાત્રાની શરૂઆત કરનાર નરસિંૅહદાસજી મહારાજના ગુરુભાઇ જમનાદાસજી સરસપુરમાં રણછોડરાય મહારાજ મંદિરના મહંત હતા. તેમના અનુગ્રહથી નરસિંહદાસજી મહારાજે રથયાત્રાએ કાલુપુરથી આગળ વધારીને સરસપુર લઇ જવાનું નક્કી કર્યુ અને અહીંયા જ ભગવાનના મોસાળની પરંપરા શરૂ થઇ હતી. અકે સમયે રથયાત્રા રતનપોળમાંૅથી પસાર થતી હતી, પરંતુ સાંકડો રસ્‍તો હોવાથી તે બદલવો પડયો અને માણેક ચોક રોડ થઇને નિજમંદિર પરત પહોંચે છે. રથયાત્રામાં હાથી, ભજન મંડળીઓ, અખાડાઓ, શણગારેલી ૧૦૦થી વધુ ટ્રક વગેરે પહોંચે છે. ભકતોને પ્રસાદમાં મગ, ખીચડો અને જાંબુ અપાય છે. કુલ ૧૪ કિલોમીટરની લંબાઇ ધરાવતા રથયાત્રા પૂર્વ અમદાવાદના કોટ વિસ્‍તારોમાંથી પસાર થાય છે.

તંગદિલી વિસરાઇ છે...હવે કોમી એખલાસની પરંપરા

વર્ષો અગાઉ આંતરિક ઉશ્‍કેરાટથી કોમી તંગદિલીનું કારણ બની ચૂકેલી રથયાત્રા હવે કોમી એખલાસનો આહલેક જગાવી ચૂકી છે, છતાં, સાવચેતીરૂપે હજારો પોલીસ જવાનો તેમજ રેપિડ એકશન ફોર્સના જવાનો અને પેરામિલેટ્રી તહેનાત રહે છે. ૧૯૪૬માં રથયાત્રા દરમિયાન કોમી તોફાનો થતાં વસંતરાવ અને રજબઅલી નામના આ બે મિત્રોએ વેર-ઝેર રોકવા પોતાના જીવ આપ્‍યા. જે આજે હિન્‍દુ-મુસ્‍લિમ એકતાના પ્રતિક બની ચૂકયા છે. આજે તેમની પુણ્‍યતિથિ પણ છે. ૧૯૬૯, ૧૯૮૫ અને ૨૦૦૨માં રમખાણો થયાં હતા. રથયાત્રાના રૂટમાં કોઇ ફેર પડયો નથી. ૧૯૮૫માં પ્રતિબંધ હોવા છતાં હાથી દ્વારા રથ ખેંચીને લવાયા હોય તેવી પણ ઘટનાઓ લોકમુખે સાંભળવા મળે છે. આજે તો રથયાત્રાનું દરેક કોમના લોકો તેનું સ્‍વાગત કરે છે અને સ્‍મૃતિ ભેટ પણ આપે છે. તેવી જ રીતે જગન્નાથ મંદિરના મહંત પણ અન્‍ય કોમના લોકોના તહેવારમાં હાજરી આપે છે.

રથયાત્રાની ભગવાનની અડધા કદની મૂર્તિ અને વિશાળ આંખો શા માટે?

રથયાત્રામાં નગરચર્ચાએ નીકળતા ભગવાનની અડધા કદની પ્રતિમાઓ અને વિશાળ આંખો ભકતોને મોહી જાય છે. અડધા કદની મૂર્તિ અને વિશાળ આંખોથી પણ એક કથા છે. કૃષની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્‍ણ રાત્રિ દરમિયાન સૂઇ રહ્યા હતા. નજીકમાં જ રુકમણી પણ સૂઇ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્‍ણએ રાધાના નામનું ઉચ્‍ચારણ કર્યુ. આ સાંભળીને અચંબિત રુકમણીજીએ સવારે આ વાત અન્‍ય પટરાણીઓને કહી. ભગવાન કૃષ્‍ણ તેમના ભાઇભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્‍યારે ૧૬,૧૦૮ રાણીઓએ માતાને પૂછયું કે અમે કૃષ્‍ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રીકૃષ્‍ણજી રાધાનું નામ જ લે છે ત્‍યારે માતા બોલ્‍યા જો કૃૅષ્‍ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહુ. રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્‍યાન રાખવા ઉભા રાખ્‍યા પછી માતાએ કથા ચાલુ કરી. કૃષ્‍ણ અને બલરામ આવી ગયાં તો સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્‍યા. અચાનક ભકિતના ભાવને લીધે ત્રણેય ભાઇ-બહેનના હાથ અને પગ સંકોચાવા માંડયા અને આંખો મોટી થવા માંડી. જોગાનુજોગ, આ સમયે જ કૃષ્‍ણ ભગવાનને મળવા નારદમુનિ દ્વારકા આવ્‍યા તો તેમણે આ સ્‍વરૂપ જોયુ અને કૃષ્‍ણ પ્રભુને કહ્યું કે, ‘‘તમારુ આ રૂપજગતને બતાવવા રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્‍ણ  અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે.

 પ્રથમ રથયાત્રામાં રથ નારિયેળીના થડમાંથી બનાવાયાં હતા

વર્ષ ૧૮૭૮માં પ્રથમ રથયાત્રા માટે નારીયેળીના થડમાંથી રથ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. નારિયેળીનું થડ પોચું હોવાથી ઝડપથી કામ થઇ શકે છે અને તેને આધારે તેની પસંદગી કરવામાં આવી હતી. નારિયેળીના રથ પ્રમાણમાં નાના હતા અને તેમાં માત્ર ભગવાનને મૂકી શકાય તેટલી જગ્‍યા રાખવામાં આવી હતી. પ્રથમ રથયાત્રામાં તૈયાર કરાયેલા નારીયેળીનો એક રથ ૩૦૦ કિલોગ્રામ હોવાની શકયતા છે. નારીયેળીના થડમાંથી તૈયાર કરાયેલા રથ માત્ર એક વર્ષ ચાલ્‍યા હતા. વર્ષ ૧૯૦૦ બાદ ૧૯૫૦માં સાગના લાકડાંમાંથી ત્રણ નવા રથ બનાવવામાં આવ્‍યા હતા. હાલના સમયમાં જે રથ છે તેમાં દરેક રથનું વજન ૩ ટન છે. ભીડને ધ્‍યાનમાં લઇને ઓછા વ્‍યકિતઓ પણ ઝડપથી રથને ખેંચી શકે તે માટે વર્ષ ૧૯૯૨માં એન્‍જિનિયરિંગની મદદથી રથમાં સ્‍ટિયરીંગ તૈયાર કરવામાં આવ્‍યુઁ હતું જે આજે જોઇ શકાય છે. ભગવાન જગન્નાથજીનો રથનું નામ નંદિઘોષ રાખવામાં આવ્‍યુ છે. બહેન સુભદ્રાજીના રથને તાલધ્‍વજ અને બળદેવજીના રથને દર્પદલન નામ આપવામાં આવ્‍યુ છે. એક ખલાસના માતાએ વર્ષ ૧૮૭૮માં અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંતને રથ ખેૅચવાની સેવા ખલાસ પુત્રોને ૃસોંપવા વિનંતી કરી હતી. મહંતશ્રીએ આ વિનંતી ગ્રાહ્ય રાખી હતી અને હજુ પણ રથ ખલાસ ભાઇઓનું જૂથ જ ખેંચી જાય છે.

 ૨૦૨૩માં નવા રથમાં બેસી ભગવાન નગરચર્યા કરશે

અખાત્રિજના દિવસે જે ત્રણ રથની પૂજનવિધિ કરાઇ તે રથ સંભવતઃ વર્ષ ૨૦૨૩ની આગામી રથયાત્રામાં જોવા નહીં મળે. આ રથયાત્રા પછી વર્ષ ૨૦૨૩માં નીકળનારી ૧૪૬મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણકાર્ય શરૂ થશે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી બિરાજમાન થયા છે તેવા નવા ત્રણ રથનું નિર્માણકાર્ય સાત- આઠ મહિનામાં પૂર્ણ થશે. તૈયારીના ભાગરૂપે રથ બનાવવા માટેના લાકડા પણ લાવી દેવાયા છે. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું કહેવું છે કે, જુના રથોથી ૧૪૫ રથયાત્રા યોજવામાંૅ આવી છે. નવા રથનું નિર્માણ વધુ મજબૂતાઇ સાથે કરવામાં આવશે. અમદાવાદના રસ્‍તા અને પરંપરાગત રૂટમાંથી રથ પસાર થઇ શકે અને ભાવિકો વધુ સારી રીત દર્શન કરી શકે તેવા નવા રથ હશે. નવા રથમાં ખૂબ જ અછા લોકો સવાર થઇ શકે અને લોકો ધાબા પરથી પણ સરળતાથી દર્શન કરી શકે તેવી ડિઝાઇન હશે. જુના પંરપરાગત રથનું સ્‍વરૂપ જળવાઇ રહે તે ચિવટ રાખવામાં આવશે. જગન્નાથપુરીના કારીગરો સાથે પણ રથના નિર્માણકાર્ય અંગે વિમર્શ કરાશે.(૪૦.૩)

સંકલનઃ હેમાંગિની ભાવસાર

અમદાવાદ મો. ૯૯૭૯૨ ૨૮૦૨૯

(3:44 pm IST)