Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

હાથીજણ DPSના નકલી NOC કેસમાં મંજૂલા શ્રોફના આગોતરા જામીન મંજૂર

કેલોરેક્સ ગ્રુપનાં ચેરમેન અને એમડીને રાહત, પણ મંજૂરી વિના દેશ છોડી નહીં શકે

અમદાવાદઃ હાથીજણની દિલ્હી પબ્લિક સ્કૂલની મંજૂરી માટે સરકારમાં નકલી એન.ઓ.સી. રજૂ કરવાનો કેસ ચાલી રહ્યો છે. હાઇકોર્ટે તેમાં કેલોરેક્સગ્રુપનાં ચેરમેન અને એમ.ડી. મંજુલા પૂજા શ્રોફનાં આગોતરા જામીન મંજૂર કર્યા છે,મંજુલા શ્રોફ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદમાં નોંધાયેલી કલમો પ્રમાણે તપાસ માટે તેમની પોલીસ કસ્ટડીમાં હાજરી જરુરી નથી. આ કેસમાં સહઆરોપી અને તત્કાલિન ટ્રસ્ટી સભ્ય હિતેન વસંત અને પ્રિન્સિપાલ અનીતા દુઆની આગોતરા જામીન અરજી હજુ પડતર છે. તે અંગે 14મી ઓગસ્ટના રોજ ચુકાદો આવે તેવી શક્યતા છે.

જસ્ટિસ એ.જે. દેસાઇ સમક્ષ અરજદાર તરફથી સિનિયર એડવોકેટ પ્રકાશ જાનીએ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે ફરિયાદમાં નોંધવામાં આવેલી કલમો પ્રમાણે હાલના તબક્કે અરજદારની પોલીસ કસ્ટડીમાં હાજરી જરુરી નથી. સાથે તેમણે જણાવ્યું કે તપાસ અને ટ્રાયલ દરમિયાન જરુર પડે ત્યારે તેમના અસીલ હાજર રહેશે. જેના અનુસંધાને હાઇકોર્ટે નોંધ્યું કે,

કેસની વિગતોને ધ્યાને રાખીને તેમજ પુરાવાઓ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા વગર હાલના તબક્કે આગોતરા જામીન અરજી મંજૂર કરવી યોગ્ય જણાઇ રહી છે.” કોર્ટે 25 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે અને ટ્રાયલ કોર્ટની પરવાનગી વિના દેશ ન છોડવાનો આદેશ કર્યો છે.

અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે CBSEએ વર્ષ 2010ની રાજ્ય સરકારની NOCના આધારે શાળાને જોડાણ આપ્યું નથી. ઉપરાંત પોલીસ ફરિયાદમાં પણ એવો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો નથી કે અરજદારે મંજૂરી માટેના દસ્તાવેજોમાં ફોર્જરી કરી છે એટલે કે નકલી દસ્તાવેજો બનાવ્યા છે. બોર્ડે શાળાને વર્ષ 2012માં માન્યતા આપી હતી તેથી સ્વભાવિક છે કે મંજૂરી અંગેના દસ્તાવેજોની નકલ રાજ્ય સરકારને પણ આપવામાં આવી હોય. જો આ વિવાદ મંજૂરી અને જોડાણ અંગેનો જ હોય તો અત્યાર સુધી સરકારે CBSEનું ધ્યાન શા માટે ન દોર્યુ. રાજ્ય સરકારે વર્ષ 2012થી 2019 દરમિયાન કોઇ કાર્યવાહી શા માટે ન કરી?

અગાઉ હાઇકોર્ટે માર્ચમાં મંજૂલા શ્રોફ અને બંને સહઆરોપીઓ ભૂતપૂર્વ ટ્રસ્ટી અને પૂર્વ આચાર્યા અનીતા દુઆની ધરપકડ નહી કરવા વિવેકાનંદ પોલીસને આદેશ કર્યો હતો. ત્યાર બાદ 12 જૂને વીડિયો કોન્ફ્રન્સિંગથી આ કેસની સુનાવણી વખતે પણ હાઇકોર્ટે 27 જુલાઇ સુધી આરોપીઓને ધરપકડમાં રાહત આપી હતી.

આ મામલે શૈક્ષિક વિભાગે 29 નવેમ્બર 2019ના રોજ મંજુલા શ્રોફ અને અન્ય બે આરોપીઓ સામે હાથીજણની દિલ્હી પબ્લિક સ્કૂલની મંજૂરી માટે CBSE સમક્ષ નકલી NOC રજૂ કર્યું હતું.

(10:41 pm IST)