Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

નરોડાની સોસાયટીમાં ગંદકી અંગે મ્યુ. કમિશનરને નોટિસ: 20 દિવસમાં રિપોર્ટ આપો નહીંતર કાર્યવાહી

સોસાયટીના રહીશોએ રાજ્ય માનવ અધિકાર પંચ સમક્ષ ઘા નાખી

અમદાવાદઃ શહેરનાં નરોડા વિસ્તારમાં આવેલ વૈદ અને ગણેશ રેસીડેન્સીનાં રોડ પર માટી અને ગટરનાં પાણીથી સોસાયટીની ગંદકી ખદબદે છે. રોડની સફાઈ કરવા ઉત્તર ઝોનનાં કચેરીના કામદારો લાંબા સમયથી આવતા જ નથી. જેનાં કારણે આ વિસ્તારમાં સોસાયટીની ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરતી પંચ સમક્ષ ફરિયાદ કરાઇ છે. આ ફરિયાદને ધ્યાનમાં લઇને ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ તરફથી ગંદકી મામલે મ્યુનિ. કમિશ્નરને નોટીસ ફટકારી છે. આ અંગે 20 દિવસમાં વિગતવાર અહેવાલ પંચ સમક્ષ રજૂ કરવા હુક્મ કર્યો છે. જો નિષ્ફળ જશો તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી છે.

સામાજિક કાર્યકર કાન્તિભાઇ પરમારે પંચ સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, “અમદાવાદ, નારોલની સંધી માતાનાં મંદિરથી સપ્તક ફ્લેટ, ગણેશ વાટીકા, મિલન પાર્ક, ગણેશ રેસીડેન્સી, વેદ રેસીડેન્સી, સુવિધા પાર્ક, પાર્થ, શ્યામ દિપ, તક્ષશિલા, ત્રણ માળીયા, કુશ ઈન્ડસ્ટ્રીઝ, સેજલ પાર્ક, શ્રધ્ધા પાર્ક, જીલ ધારા સોસાયટી, ભાગવત ટેનામેન્ટ, આગમન, અમરપાકૅ વગેરે સોસાયટીઓમાં 50 હજારથી વધુ લોકો વસવાટ કરે છે.

આ સોસાયટીઓમાં પાણી, રોડ-રસ્તા અને ગંદકી હોવાથી સાફ-સફાઈની ખાસ જરૂર છે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે.આવા સમયમાં અહીં આ વિસ્તારોમાં ગંદકી ખૂબ જ છે.રોડ રસ્તા ના હોવાને લીધે અહીંયા મોટા મોટા ખાડા છે. જેમાં પાણી ભરાઈ જાય છે.”બીજી તરફ આ વિસ્તારમાં સાફ સફાઇ પણ થતી નથી.જેના લીધે રોગચાળો ફાટી નીકળવાનો તથા અકસ્માત થવાનો ભય રહે છે.જેનાં કારણે સ્થાનિક રહીશોની હાલત કફોડી બની ગઇ છે. જેનાંથી માનવ અધિકારો અને બંધારણીય અધિકારોનું હનન થાય છે. જેથી પાણીનાં જોડાણો તેમજ પીવાનું તેમજ ન્હાવા ધોવાનુ પુરતું પાણી સ્થાનિક રહીશોને મળી રહે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી વિંનંતી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, “અમે પણ આ દેશના નાગરિકો છીએ. અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્ષ ચુકવીએ છીએ. જેથી અમને પુરતી અને યોગ્ય સુવિધા પુરી પાડવી સરકાર અને કોર્પોરેશનની જવાબદારી બને છે. જેથી અમારા બંધારણીય અધિકારો જળવાય અને રક્ષણ થાય તે પ્રકારનાં પગલાં ભરવામાં આવે તેવી અમારી વિનંતી છે.”

(10:32 pm IST)
  • ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન : ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઈવે બંધ : પહાડ પરથી ધસી પડ્યો કાટમાળ access_time 2:40 pm IST

  • જામનગરમાં કોરોનાનો કહેર : વધુ ત્રણ કેસ નોંધાયા : શ્રીજી હોલ નજીક ઓસવાલ -2માં રહેતા મકવાણા પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : access_time 12:16 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 46,484 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,82,503 કેસ થયા :4.95,443 એક્ટિવ કેસ :કુલ 9,53,189 દર્દીઓ રિકવર :વધુ 636 લોકોના મોત :મૃત્યુઆંક 33,448 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7924 કેસ : તામિલનાડુમાં નવા 6993 કેસ :દિલ્હીમાં 613 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 6051 કેસ: કર્ણાટકમાં નવા 5324 કેસ :ઉત્તર પ્રદેશમાં 3505 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2112 કેસ :બિહારમાં 2192 નવા કેસ, તેલંગાણામાં 1473 કેસ,રાજસ્થાનમાં 1134 કેસ અને આસામમાં 1348 નવા કેસ અને ઓરિસ્સામાં 1503 કેસ નોંધાયા access_time 1:09 am IST