Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજસ્થાનના રાજ્યપાલના વલણના વિરોધમાં ગાંધીનગરમાં કોંગીના દેખાવો

રાજભવન તરફ કૂચ કરતા ધારાસભ્યો - કાર્યકરોની અટકાયત : 'લોકશાહી બચાવો, બંધારણ બચાવો'ના સૂત્રો પોકારી વાતાવરણ ગુંજવી દીધું

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૭ : આજે ગાંધીનગર ખાતે સરકીટ હાઉસથી રાજભવન તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજસ્થાનમાં ચાલતી રાજકીય દાદાગીરીના વિરોધમાં દેખાવો કર્યા છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાનના રાજ્યપાલ કોના ઇશારે કામગીરી કરી રહ્યા છે અને લોકશાહી પધ્ધતિને નાશ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં આજે ગાંધીનગરમાં દેખાવો યોજેલ છે.

ભારતીય જનતા પાર્ટીની આવી દાદાગીરી ચલાવી લેવામાં નહિ આવે. રાજસ્થાન સરકાર લોકશાહીથી બનેલી સરકાર છે એને કોઇપણ સંજોગોમાં હેરાન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે તે બંધારણ વિરૂધ્ધના છે.

પરેશ ધાનાણી અને પક્ષના ધારાસભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. રાજભવન તરફ આગળ વધતા ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી.

દરમિયાન અન્ય એક અહેવાલ મુજબ કોંગ્રેસના કાર્યકરોએ લોકશાહી બચાવો બંધારણ બચાવોના સૂત્રો પોકારી વાતાવરણ ગુંજવી મુકયું હતું આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે થોડીક ઝપાઝપી પણ થઈ હતી. વિરોધ પ્રદર્શન વખતે પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના કેટલાય કાર્યકરોની અટકાયત કરી છે.

(4:02 pm IST)