Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

લોકડાઉન ઈફેક્ટ : CRPCની કલમ 164ની કામગીરીને માઠીઅસર :40માંથી માત્ર 8ના જ નિવેદન લઇ શકાયા

ગુજરાત બાર કાઉન્સીલે કરેલી રજૂઆતના ભાગરૂપે તા. 29મી જુલાઇએ ઉપવાસ કરશે

અમદાવાદ: કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન કરાયું હતું,જો કે દેશના મોટાભાગના રાજયોમાં અનલોક કરી દેવાયુ છે  પરંતુ હજુ સુધી ગુજરાતમાં હાઇકોર્ટ સિવાયની જિલ્લા તથા તાલુકા કક્ષાની કોર્ટો માત્ર ઓનલાઇન ચાલે છે. જેથી આ કોર્ટો વહેલી તકે શરૂ કરી દેવા માટે ગુજરાત બાર કાઉન્સીલે રજૂઆત કરી છે. તેના ભાગરૂપે આગામી તા. 29મી જુલાઇના રોજ ઉપવાસ પણ કરવાના છે.

બીજી તરફ કોર્ટ કેસોની કામગીરી તો ઠીક પરંતુ ક્રિમિનલ પ્રોસીજર કોડ ( CRPC )ની કલમ 164 હેઠળ મેજીસ્ટ્રેટ રૂબરૂ આરોપી, ફરિયાદી તથા સાક્ષીના નોંધવામાં આવતાં નિવેદનોની કામગીરીને પણ અસર પડી છે. આ નિવેદનો કેસ સાબિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આ કામગીરી પણ મંદગતિએ ચાલી રહી છે. અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં છેલ્લાં ચાર મહિનામાં સીઆરપીસીની કલમ 164 હેઠળ નિવેદન લેવા માટે તપાસ કરનારા અધિકારી ( IO) તરફથી 35 કે જેટલા જેટલાં રિપોર્ટ કરવામાં આવ્યા છે. જો કે તેમાંથી અત્યાર સુધીમાં 8 જેટલા જ જણાંના નિવેદન લેવાયા છે.

શહેરમાં ચકચારભર્યા કે પછી ગંભીર પ્રકારના ગુના ઉપરાંત ખાસ કરીને પોસ્કો કેસોમાં ફરિયાદી, સાક્ષી ફરી જવાના કારણે ઘણાં કેસોમાં આરોપીઓને લાભ મળે છે. જેથી પોલીસ કેસો સાબિત થાય અને આરોપીને સજા થાય તે હેતુથી પોલીસ મોટાભાગના ગંભીર પ્રકારના કેસો તેમાંય પોસ્કો કેસોમાં ફરિયાદી, સાક્ષી અને આરોપી તૈયાર કરીને CRPCની કલમ 164 મુજબ મેજીસ્ટ્રેટ રૂબરૂ નિવેદન લેવડાવતી હોય છે.

 

ફરિયાદી, આરોપી કે પછી સાક્ષીનું સીઆરપીસી 164 મુજબનું મેજીસ્ટ્રેટ રૂબરૂ નિવેદન લેવડાવવા માટે તપાસ કરનાર પોલીસ અધિકારી ( આઇ.ઓ.) ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને રિપોર્ટ કરે છે. આ રિપોર્ટને ધ્યાનમાં લઇને ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ જે તે મેજીસ્ટ્રેટને નિવેદન લેવા માટે હુક્મ કરે છે. આ હુક્મના પગલે જે તે મેજીસ્ટ્રેટ દ્રારા આરોપી, સાક્ષી કે પછી ફરિયાદીને નોટીસ કાઢીને રૂબરૂમાં નિવેદન આપવા માટેનો સમય આપે છે. તે વખતે મેજીસ્ટ્રેટ રૂબરૂમાં 164 મુજબનું નિવેદન નોંધે છે. સમગ્ર પ્રક્રિયાની વીડીયોગ્રાફી કરવામાં આવે છે.

આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય તથા અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસીએશનના સીનીયર એડવોકેટ ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે, કોરોના મહામારી તેમજ લોકડાઉનની પ્રક્રિયાના કારણે છેલ્લા ચાર માસથી અમદાવાદ શહેરની તેમજ રાજ્યની અદાલતો બંધ છે. સેશન્સ કોર્ટો કોર્ટની અંદર આવી અરજન્ટ કામો કરી રહી છે. જ્યારે મેજિસ્ટ્રેટ કોર્ટો રિમાન્ડ, બેલ તેમજ મુદ્દામાલની અરજીની હિયરિંગ ઘરે બેસીને કરી રહી છે અને એ પણ ઓનલાઈન. આજના સમયમાં ઘણાં વકીલો તેમજ પક્ષકારો ઓનલાઈન પ્રક્રિયાથી તથા સોશિયલ મીડિયાથી જોડાયેલા નથી અને જેના કારણે ન્યાયપ્રક્રિયામાં ખૂબ જ અગવડતા અને હેરાનગતિ પક્ષકારો અને વકીલો ભોગવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ઘણાં કિસ્સાની અંદર તપાસ કરનાર અધિકારી રિમાન્ડ માટે જ્યારે કોર્ટોમાં લઈ જાય છે ત્યારે વકીલો ત્યાં પહોંચી શકતા નથી તેમજ તેની રજૂઆતો કરી શકતા નથી. ઘણાં કિસ્સાની અંદર તપાસ કરનાર અધિકારી ખૂબ જ પ્રકારના કેસો જેમાં 164ના નિવેદનો મેજિસ્ટ્રેટ દ્વારા લેવામાં આવે છે. તે વખતે મેજિસ્ટ્રેટ અને ફક્ત આરોપી હોય છે અને ઘણી વાર આરોપી કોર્ટ આગળ પોતાની કબૂલાત કરતો હોય છે અને જે કેસ માટે ખૂબ જ મહત્વના હોય છે. જેના કારણે કેસમાં સજા કરવામાં ખૂબ જ જરૂરી પુરાવા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી 35થી 40 જેવી અરજીઓ 164ના નિવેદનો લેવા માટે તપાસ કરનાર અધિકારીઓ કોર્ટમાં રજૂ કરેલી છે. તેમાંથી ફક્ત સાત કે આઠ જેવા કેસોની અંદર કલમ 164 હેઠળ નિવેદનો લેવામાં આવ્યા છે અને જેનો લાભ આરોપીઓને છૂટવા માટે થઈ રહ્યો છે. જે નિવેદનો લઈ શકાયા નથી, જેનાથી તપાસ કરનાર અધિકારી તેની તપાસ કરી શકતા નથી. છેવટે તેનો ગુનો સાબિત કરી શકતા નથી.

(10:20 pm IST)