Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની બજેટમાં જાહેરાત

ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ માટે ૯૦૯૧ કરોડ : સૌને આવાસ યોજના અંતર્ગત નવા ૮૫ હજાર આવાસો બાંધવામાં આવશે,જે માટે રૂ ૧૧૦૦ કરોડની જોગવાઇ

અમદાવાદ, તા.૨૬ : રાજયના બજેટમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની જાહેરાત નાણાંમંત્રીએ કરી હતી અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ માટે કુલ રૂ.૯૦૯૧ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાની વાત ગૃહમાં રજૂ કરી હતી. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નામની નવી યોજનાની જાહેરાત કરતા નાણાંમંત્રીએ જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ , મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી ૨૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને આપવામાં આવશે . આમાં મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન પ્રાપ્ત થશે જેનાથી મહિલાઓને સ્વ - રોજગાર માટે નવું બળ પ્રાપ્ત થશે . આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ રૂ.૧૯૩ કરોડની જોગવાઇ કરાઇ છે.

           રાજયની માદરે વતન યોજના હેઠળ ગામમાં શાળા , શાળાના રૂમ , સ્માર્ટ કલાસ , આંગણવાડી , સ્મશાન , દવાખાનું , રસ્તા , પીવાના પાણીની ટાંકી , ગામ તળાવ , ગટર વ્યવસ્થા , સામૂહિક શૌચાલય , લાયબ્રેરી , કોમ્યુનિટી હોલ , પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓને વિકસાવવા દાતાશ્રી દ્વારા આપવામાં આવતા દાનની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે જે માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. ગામડામાં સ્વચ્છતા જાળવવા માટે ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે . ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજયની ૧૬૬૭ ગ્રામ પંચાયતોની ટ્રાઇસિકલ અને હેન્ડ કાર્ટ જેવા સફાઇના સાધનો પૂરા પાડવામાં આવશે. તેવી રાજી પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે ૮૦ જેટલી ગ્રામ પંચાયતોમાં ૨ વોટર ટ્રીટમ પ્લાન્ટ નાખવામાં આવશે જે માટે કુલ રૂ.૬૧ કરોડની જોગવાઇ કરાઇ છે. ગુજરાત સરકારની યોજના અંતર્ગત ઘન કચરો ડોર ટુ ડોર કલેકશન દ્વારા એકત્ર માટે હાલ તમામ ગ્રામ પંચાયતોને વ્યકિતદીઠ માસિક રૂપિયા બે ગ્રાન્ટ આપવામાં આવે છે  તેને બદલે હવે વ્યકિતદીઠ માસિક રૂપિયા ચાર ગ્રાન્ટ આપવામાં આવશે, જે માટે રૂ.૮૮ કરોડની જોગવાઇ કરાઇ છે. ગ્રામીણક્ષેત્રોમાં નવા મંજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા ઊભી કરવા માટે લાભાર્થી ફાળો રૂ.૩૦૦૦ની સામે રાજય સરકાર દ્વારા રૂ.૫૦૦૦ની સહાય આપવામાં આવશે. જે માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ થઇ છે.

ગ્રામીણ વિસ્તારની બહેનો માટે કાયમી રોજગારીનું નિર્માણ થાય તે ઉદ્દેશથી મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજનાની જાહેરાત કરતા તેમણે ઉમેર્યું કે, આ યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે . જે માટે રૂ.૭ કરોડની જોગવાઈ કરાઇ છે. ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્થાનિક મેળાઓમાં સીધા વેચાણ માટે સ્ટોલઊભાં કરવા રૂ.૩ કરોડનીજોગવાઇ કરાઇ છે. ૨૦૨૨ સુધીમાં સૌને આવાસનો ઉમદા આશય પૂર્ણ કરવા ૩ લાખ ૧૧ હજાર આવાસોના લક્ષ્યાંક સામે અત્યાર સુધી ૨ લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાંઆવ્યા છે આ કાર્યક્રમ અન્વયે નવા ૮૫ હજાર આવાસો બાંધવામાં આવશે . જેના માટે રૂ ૧૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે.

સ્વચ્છ ભારત હેઠળ પણ ૮૦૩ કરોડ અપાશે......

*   શ્યામાપ્રસાદ મુખર્જી રર્બન મિશન માટે ૨૩૫ કરોડની જોગવાઇ

*   પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે ૧૯૫ કરોડની જોગવાઇ

*   ગ્રામ પંચાયતોને હાઇરપીડ ઇન્ટરનેટથી જોડવા , જરૂરી હાર્ડવેર તેમજ માનવબળ પૂરું પાડી ઇ - એનેબલ કરવા રૂ.૧૦૦ કરોડની જોગવાઇ

*   ગ્રામ પંચાયતોના નવીન મકાન બાંધકામ માટે ૮૫ કરોડ

*   જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના રેકર્ડની જાળવણી માટે કોમ્પકટર વસાવવા રૂ.૧૦ કરોડની જોગવાઇ

*   ગ્રામ પંચાયત એસેટ અને રેકર્ડની વ્યવસ્થિત જાળવણી તેમજ કામોનું ડુપ્લીકેશન ના થાય તે માટે જીઓ - ટેગીંગ એસેટ રજિસ્ટર તૈયાર કરવા માટે રૂ.૫ કરોડની જોગવાઇ

*   પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર , શશીકુંજ , જૂનાગઢ ખાતે નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઈ

*   નવા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ૧૦ કરોડની જોગવાઈ

(10:10 pm IST)