Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

GST દ્વારા અમદાવાદના શુભમ પાર્ટી પ્લોટ અને સુરતના કૈલાશ સ્વીટ-રેસ્ટોરન્ટસ સામે હજુ તપાસ ચાલુ

કુલ ૭ કરોડની ટેકસ ચોરી પકડાઇઃ બ્લૂલગૂમ-નિર્વાણા-સેવન સીઝ સહિતના ઝપટે... : કુલ ર૦ સ્થળે દરોડામાં ૩૮ કરોડના બિન હિસાબી વ્યવહારો પકડાયા...

રાજકોટ તા. ર૬: તાજેતરમાં પ દિ' પહેલા સ્ટેટ જીએસટીની ફલાઇંગ સ્કવોડના ડાયરેકટર શ્રી પઠાણ અને તેમની ટીમે સુરત-અમદાવાદના ર૦ જેટલા કેટરર્સ-પાર્ટી પ્લોટના માલીકો ઉપર દરોડાનો દોર ચલાવ્યો હતો.

આ ઓપરેશનમાં કુલ ૩૮ કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યા હતા, અને ૭ કરોડની જીએસટી ચોરી ઝડપાઇ જવા પામી હતી.

અમદાવાદના બ્લૂ લગુન, નિર્વાણા, આવકાર ડેકોરેશન, સેવન સીઝ પાર્ટી પ્લોટ, પ્રસંગમ પાર્ટી પ્લોટને ઝપટે લેવાયા હતા.

તો સુરતમાં એ એમ ટપાલી મંડપ ડેકોરેટર્સ, બનટચ ડેકોરેટર્સ, કૈલાસ ડેકોરેટર્સ, કૈલાશ સ્વીટ્સ એન્ડ સ્નેકસ, રિધ્ધિ સિધ્ધિ ડેકોરેટર્સ, સુવર્ણભૂમી લોન્સ, મણિબા પાર્ટી પ્લોટ, તથા વી. આર. વન ઇવેન્ટસ ઉપર દરોડા પડાયા હતા, ઉપરોકત તમામમાં લાખો રૂ.ની ટેકસ ચોરી ઝડપાઇ હતી.

દરમિયાન અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે અમદાવાદના શુભમ પાર્ટી પ્લોટ, અને સુરત કૈલાશ સ્વીટ માર્ટ-રેસ્ટોરન્સમાં આજે સતત છઠ્ઠા દિવસે તપાસ ચાલુ રખાઇ છે, બંને સ્થળેથી હિસાબી સાહિત્ય કબજે લેવાયાનું અને કરચોરીના આંકડા મેળવાઇ રહ્યાનું બહાર આવ્યું છે.

(3:53 pm IST)