Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સરકારી શાળાઓમાં અદ્યતન ટેક્નોલોજી યુક્ત શિક્ષણ સુવિધા અને ગુણવત્તા સભર શિક્ષણની સફળતાઃ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો રિવર્સ ટ્રેન્ડ : આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને અમદાવાદની સરકારી શાળામાં પ્રવેશ લીધો : છેલ્લા આઠ વર્ષમાં અમદાવાદમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'કન્યા કેળવણી મહોત્સવ' તેમજ 'શાળા પ્રવેશોત્સવ'ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે : શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમિયાન પ્રથમ બે દિવસમાં જ કુલ ૩.૮૩ લાખ કન્યા અને કુમારોનું નામાંકન થયું : અનુપમ શાળા એ આપણા સૌ માટે ગૌરવની વાત છે આવતીકાલના ભારતનું નિર્માણ આ પ્રકારની શાળાઓ થકી જ થશે : ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ અંતર્ગત અમદાવાદમાં રૂા. ૧.૩૭ કરોડના ખર્ચે નિર્મિત મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ કર્યું

રાજકોટ તા.૨૫ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૦૨-૨૦૦૩માં શરૂ કરાવવામાં આવેલા 'કન્યા કેળવણી મહોત્સવ' તેમજ 'શાળા પ્રવેશોત્સવ'ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે. ડ્રોપઆઉટ રેટ ૩ ટકા જેટલો અને શાળામાં બાળકોના દાખલ થવાનો દર ૯૫ ટકાથી પણ વધ્યો છે. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે રાજ્યની સરકારી સ્કૂલમાં અદ્યતન અને ટેકનોલોજી યુકત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે અને ખાનગી શાળાઓમાં બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લેતા થયા છે. 

આ સંદર્ભમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી અમદાવાદની સરકારી સ્કૂલમાં આવ્યા છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સ્માર્ટ અનુપમ શાળાની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ બાળકો કરે તેવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે. રાજ્યમાં વધુ એક સ્માર્ટ અનુપમ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મેમનગરની સ્માર્ટ સ્કૂલમાં તમામ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જેના માધ્યમથી ભણતર ભારરૂપ ન લાગે અને રમતા રમતા ભણી શકાય એવા પ્રોજેકટ લાવવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે સંકલ્પના કરી છે તેને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સાકાર કરવામાં આવી રહી છે. અનુપમ શાળા એ આપણા સૌ માટે ગૌરવની વાત છે આવતીકાલના ભારતનું નિર્માણ આ પ્રકારની શાળાઓ થકી જ થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના 'કન્યા કેળવણી' અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨' દરમિયાન નામાંકન કરવામાં આવેલા બાળકોની રૂપરેખા આપતા કહ્યું કે, છેલ્લા બે દિવસમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન કુલ ૩.૮૩ લાખ કન્યા અને કુમારોનું નામાંકન થયું છે. જેમાં ૧.૮૮ લાખથી વધુ કન્યાઓ જ નામાંકન થયું છે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શિક્ષણ માટે જરૂરી તમામ સુવિધા રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા કરાઈ રહી છે. દર વર્ષે પ્રવેશોત્સવમાં જે માહોલ બને છે એવો માહોલ આ વખતે પણ બન્યો છે પણ આ માહોલમાં એક વિશેષ કડી પણ ઉમેરાઈ છે. ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માંગતા ૧૩૯ બાળકો માટે ભણવાની વ્યવસ્થા ઇતિહાસમાં પ્રથમ વખત સિગ્નલ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી અને આજે આ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત આજે  ગ્રોથ એન્જિન બન્યું છે, આ ગ્રોથ એન્જિનને આગળ વધારવામાં શિક્ષણ એક મહત્વની ભૂમિકા ભજવશે. એટલું જ નહીં દરેક સામાન્ય માણસને વિકાસની મુખ્યધારમાં આવે એવા પ્રયાસો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, આપણે સૌ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રાથમિક શિક્ષણ એ અમૃતકાળ બનશે. આવી શાળાઓ વિદ્યાધામ બને. આ શાળાઓ થકી વિદ્યાર્થીઓ સારા નાગરિક બને અને ભારતના ભવિષ્યનો પાયો બને તેવો આપણે સૌએ સંકલ્પ કરવાનો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ પ્રાથમિક શાળા ના બાળકોને રમતા-રમતાં ભણવાનો ઉદ્દેશ સાકાર કરવા માટે જોયફૂલ લર્નિંગના ક્લાસ બનાવવામાં આવ્યા છે. દરેક બાળકને એ મુજબ શૈક્ષણિક રમકડાથી ભણાવવામાં આવે છે. કલરફૂલ સરસ બેઠક વ્યવસ્થા સાથે દિવાલો પર માસના નામ, વાહનો, પશુ-પંખીઓની ઓળખ, ઋતુઓના નામ, ગણિતમાં ચડતાં-ઉતરતા ક્રમના આંકડાઓ અને ટેબલનું સુંદર ચિત્રકામ કરવામાં આવ્યું છે. આમ બાળ માનસને શિક્ષકો દ્વારા જ્ઞાન સાથે ગમ્મતના ચિત્રો થકી ભણતરની સમજણ આપવામાં આવે છે. તથા શાળામાં બાળકોને રમતગમતની પ્રવૃતિઓ માટે મોકળુ મેદાન મળી રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ક્લાસ રૂમોમાં તેમણે પોતે વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી. 

આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, કમિશનરશ્રી લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજય મહેતા, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, શાસનાધિકારી એલ. ડી. દેસાઈ તેમજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

(5:35 pm IST)