Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

આઠ હાથી મંદિરમાં ઘુસાડી દેતા IPS મકરંદ ચૌહાણે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દીધો : તોફાની હાથી માત્ર એક ફૂટના અંતરે હતો

ત્રણ રથની સાથે ત્રણ હાથીઓને રથની સાથે રાખવાની મંજૂરી પણ આપી હતી પરંતુ મંદિરના સત્તાવાળાઓએ ત્રણ હાથીની જગ્યાએ આઠ હાથી મંદિરમાં ઘુસાડી દીધા હતા

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ શહેરમાં રથયાત્રા કાઢવાની ના પાડી દીધી હતી. અષાઢી બીજ રથયાત્રાના દિવસે મંદિર પરિસરમાં જ રથયાત્રા ફેરવવામાં આવી હતી. જગન્નાથ મંદિરની રથયાત્રામાં ત્રણ રથની સાથે ત્રણ હાથી કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ મંદિરના મુખ્ય મહાવતે આઠ હાથી મંદિરમાં ઘુસાડી દીધા હતા. આઠ હાથી મંદિરમાં ઘુસાડી દેતા IPS મકરંદ ચૌહાણે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દીધો હતો. નવમો હાથી જે સૌથી તોફાની હતો, તે મંદિરની બહાર આઇપીએસ મકરંદ ચૌહાણની સામે એક ફૂટના અંતરે ઉભો હતો.

અમદાવાદ શહેરની રથયાત્રા અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરના પ્રાગણમાં કાઢવાની હતી. ત્રણ રથની સાથે ત્રણ હાથીઓને રથની સાથે રાખવાની મંજૂરી પણ આપી હતી પરંતુ મંદિરના સત્તાવાળાઓએ ત્રણ હાથીની જગ્યાએ આઠ હાથી મંદિરમાં ઘુસાડી દીધા હતા. વહેલી સવારે મુખ્યમંત્રી આવવાનો સમય થયો તે વખતે અમદાવાદ શહેરના ઝોન-3 ડીસીપી IPS મકરંદ ચૌહાણ રથોની તૈયારી કરાવતા હતા. તે વખતે જ આ હાથીઓ અંદર ઘુસતા આઇપીએસ મકરંદ ચૌહાણ દોડીને મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પહોચી ગયા હતા અને મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરાવી દીધો હતો અને તાળુ મરાવીને ચાવી એસીપી હિતેશ ધાંધલિયાને આપી દીધી હતી. જેના કારણે મંદિરના મુખ્ય મહાવત અને ડીસીપી મકરંદ ચૌહાણ વચ્ચે ચડસા-ચડસી થઇ હતી

 . મુખ્ય મહાવતે ડીસીપીને કહ્યું કે, હાથી કો અંદર જાને દો, પણ ડીસીપી માન્યા નહતા. હાથી દરવાજો તોડીને અંદર જશે તેવી ડીસીપીને ધમકી પણ આપી હતી પરંતુ ડીસીપી ત્યાથી ડગ્યા નહતા. નવમો હાથી જગન્નાથ મંદિરનો સૌથી તોફાની હાથી હતો તે તેમની સામે ઉભો હતો. તેમના વચ્ચે માંડ એક ફૂટનું જ અંતર હતું. આ જોઇને મંદિરના મહંત અને ટ્રસ્ટી પણ ત્યા દોડી આવ્યા હતા અને ડીસીપી સાથે દલીલો કરી હતી. એવી દલીલો કરી હતી કે તમે આ ખોટુ કરો છો, અમે અહીયાના ઓથોરિટી છીએ. ત્યારે ડીસીપીએ મંદિર સત્તાવાળાઓને જણાવ્યુ હતું કે, વી આર રિસ્પોન્સીબલ ઓફિસર. જેના કારણે મહંત અને ટ્રસ્ટી નારાજ થઇને મંદિરમાં જતા રહ્યા હતા. આ વખતે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાનો કાફલો આવ્યો હતો અને મંદિરમાં પ્રવેશવા માટે મુખ્ય પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યો હતો. ડીસીપીની જીત થઇ હતી અને મંદિર સત્તાવાળાઓએ ત્રણ હાથીઓને બાદ કરતા પાંચ હાથી મંદિરમાંથી બહાર લઇ ગયા હતા.

 

આ અંગે ગુજરાત એક્સક્લૂઝીવને ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યુ હતું કે, મે મારી ફરજ અદા કરી છે. મંદિરના ત્રણ હાથીઓની મંજૂરી આપવામાં આવી હતી અને આ હાથી ભીડ જોઇને ધમાલ ના કરે તે માટે વન વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી પરંતુ ત્રણ હાથીના બદલે નવ હાથી ઘુસાડવાનો આગ્રહ રાખતા મારે મંદિરનો પ્રવેશદ્વાર બંધ કરવાની ફરજ પડી હતી.

(8:55 pm IST)