Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે : આરોગ્ય સચિવનાં નેતૃત્વની ટીમ રાજ્યમાં સમીક્ષા કરશે

દર્દીઓની સારવાર સહિતની માહિતી મેળવશે : અમદાવાદનાં કન્ટેઈનમેન્ટ વિસ્તારોની મુલાકાત લેશે

અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી વચ્ચે કોરોનાનાં વધતા જતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિ મંડળ સચેત થઇ ગયું છે. ત્યારે એવામાં કેન્દ્ર સરકારની ટીમ દિલ્હીથી ગુજરાત આવશે. કેન્દ્ર સરકારની ટીમ મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણામાં કોરોના સંક્રમણનાં સતત વધતા જતા કેસોને લઇને વિશેષ મુલાકાત લેવાની છે. કેન્દ્રની ટીમનો આ પ્રવાસ તારીખ 26થી 29 જૂન સુધી ચાલશે.

દરેક રાજ્યોમાં કોરોના સામે લડવા માટે કરવામાં આવી રહેલી તમામ વ્યવસ્થાઓ આખરે કેવા પ્રકારની છે અને તેને લઇને આગળ કેવાં નિર્ણયો લેવાં તે અંગેનું નિદર્શન કરશે. ત્યારે આ ટીમ ક્રમશઃ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાત લઇ શકે છે. તદુપરાંત ગુજરાતમાં મીટિંગ બાદ SVP હોસ્પિટલની પણ મુલાકાત લઇને આખરે હોસ્પિટલોમાં કેવા પ્રકારનાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તે અંગેની પણ જાણકારી મેળવશે.

કેન્દ્રની આ ટીમનું નેતૃત્વ કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીનાં જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલનાં હેઠળ રહેશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં જોઈન્ટ સેક્રેટરીની સાથે એક નિષ્ણાંત ડોક્ટર પણ આવવાના છે. આ ટીમ આવતી કાલે સવારનાં 6.30 કલાકે અમદાવાદ એરપોર્ટે આવી જશે. ત્યાર બાદ અમદાવાદનાં કન્ટેઈનમેન્ટ વિસ્તારોની મુલાકાત લેશે.

(8:46 pm IST)