Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કોરોના મહામારી મામલે ગુજરાતના દરેક જિલ્લામાં અદ્યતન હોસ્‍પિટલ ઉભી કરવી જોઇએ, અપૂરતી સારવારના અભાવે કેસોની સંખ્‍યામાં અને મૃત્‍યુના આંકમાં વધારોઃ પરેશ ધાનાણીની સટાસટી

ગાંધીનગર: કોરોના મહમારી વચ્ચે ગુજરાત સરકારે ગુજરાતમાં ખાનગી લેબોરેટરી દ્વારા કોરોના ટેસ્ટિંગના ભાવમાં ઘટાડાની એક મહત્વની જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલના જણાવ્યા મુજબ હવે પછી ગુજરાતની ખાનગી લેબોરેટરી 2500 રૂપિયા ચાર્જ વસૂલી શકશે અને ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ ફક્ત 3000 રૂપિયા વસૂલી શકશે. જો વધારે ભાવ વસુલસે તો લેબોરેટરીની માન્યતા રદ કરાશે.

તો બીજી બાજુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સીએમ રૂપાણી સમક્ષ એક માંગ મૂકી છે. પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને જણાવ્યું છે કે કોરોના મહામારી મામલે ગુજરાતના દરેક જિલ્લામાં અદ્યતન હોસ્પિટલ ઉભી કરવી, આરોગ્ય સ્ટાફને PPE કીટ, માસ્ક, સેનેટાઈઝર સહિત સુરક્ષા માટે અન્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવવી. તે છતાં કોરોના દર્દીઓને અપૂરતી સારવાર તથા ટેસ્ટિંગની સુવિધાઓના અભાવે વધુમાં વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ ચાર્જ વધુ એટલે 4500 રૂપિયા લેવાય છે. ટેસ્ટિંગ કીટ બધે સરખી હોય છે તો કેમ ગુજરાતમાં ચાર્જ વધુ વસુલાય છે.

ધાનાણીએ વધુમાં જણાવ્યુ છે કે વધુ ચાર્જને લીધે લોકો કોરોનાનું સંક્રમણ હોવા છતાં ટેસ્ટ નહિ કરાવે સારવાર નહિ કરાવે જેથી વધારે લોકો મોતના મુખમાં ધકેલાશે. ગુજરાત સરકારે કોરોના ટેસ્ટિંગનો ચાર્જ 2000 નક્કી કરવો જોઈએ અને એ પૈકી 1000 રૂપિયાનો ખર્ચ સરકારે ઉઠાવવો જોઈએ. હાલમાં 24-36 કલાકમાં ટેસ્ટિંગ રિપોર્ટ મળે છે એની જગ્યાએ 4-5 કલાકમાં રિપોર્ટ મળે એ માટે બાયોસેફટી અને બાયોસિક્યુરિટીવાળી અદ્યતન લેબોરેટરી જિલ્લા કક્ષાએ ઉભી કરવી. કોરોના વાયરસ અતિ ગંભીર બીમારી હોય એની સારવારનો “માં અમૃતમ યોજના”મા સમાવેશ કરવો જોઈએ.

(4:57 pm IST)