Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

બે જૈન સાધુ પર દુષ્કર્મનો આરોપ મૂકનારી મહિલા ફરી ગઈ

ઈડરના પાવાપુરી જૈન તિર્થનો બનાવ : મહિલાએ આ મામલે જલપરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ દવાઓ ખવડાવી ખોટો વીડિયો બનાવડાવ્યાનું કહ્યું

અમદાવાદ, તા. ૨૫ : ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ દ્વારા તંત્ર મંત્ર અને મેલી વિદ્યાઓના નામે જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરતી ફરિયાદમાં ભોગ બનનાર સુરતની મહિલાએ પોલીસ સમક્ષ નિવેદન ફેરવ્યું હતું. મહિલાએ મામલે જલપરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ દવાઓ ખવડાવી ખોટો વીડિયો બનાવડાવ્યાનું કહ્યું છે. જોકે, અંગે ફરિયાદ કરનાર ટ્રસ્ટી ડૉ. આશિત દોશીએ જંણાવ્યું છે કે ભોગ બનનાર મહિલા તદ્દન ખોટું બોલી રહી છે. અમારી પાસે વીડીયો, ઓડિયો, તેના સ્વહસ્તે લખેલા લખાણ સહિતના તમામ પુરાવા છે.

         ઈડરમાં છેલ્લા ૩૧ વર્ષથી સર્જન તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરતા ડૉ. આશિત પ્રફુલચંદ્ર દોશી (ઉં.૫૬) ઈડર પોલીસ સ્ટેશનમાં મહારાજ સાહેબ કલ્યાણસાગર અને રાજતિલક સાહેબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે મુજબ ફરિયાદી પાવાપુરી સંમેત શીખર તીર્થધામ, સર્વ કલ્યાણ ટ્રસ્ટ અને અષ્ટપદ જલમંદિર ટ્રસ્ટમાં છેલ્લા ૧૨ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં મહારાજ સાહેબ કલ્યાણ સાગર અને રાજતિલક સાગર મહારાજ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા. છેલ્લા એક વર્ષથી ડૉ. આશિત સહિતના ટ્રસ્ટીઓને બંને મહારાજ વિરુદ્ધ વ્યભિચારની ફરિયાદો મળી હતી. બંને મહારાજ સાહેબો જૈન ધર્મના નૈતિક મૂલ્યોની જીવનચર્યાની જગ્યાએ સાંસારિક જીવનચર્યા મુજબ રહેતા હતા. સુરતની મહિલાએ તેઓને મહારાજ સાહેબોએ તેની સાથે દુષ્કૃત્ય કર્યાની ફરિયાદ કરી હતી. ઘટના ઈડરના પાવાપુરી જૈન તીર્થની પવિત્ર જગ્યામાં આચરવામાં આવી હતી.

         આ અંગે ટ્રસ્ટીઓને પીડિત પરિવારે વીડિયો અને ફોટા પણ આપ્યા હતા. ત્યાર બાદ વીડિયો અને ફોટા બંને મહારાજ સાહેબને બતાવતા બંનેએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. અંગે ટ્રસ્ટીઓને કલ્યાણજી સાગરે ટ્રસ્ટમાંથી છૂટા થતાં હોવાનું લેખિત આપીને મૌખિક જણાવ્યું કે, પોતે સંસારિક જીવનમાં પરત ફરી રહ્યા છે. ત્યારબાદ બીજા મહારાજ સાહેબ રાજતીલક સાગરે ધાર્મિક વડાઓ મારફતે દબાણ કરવી કોઈ કાર્યવાહી ના થાય તેવા પ્રયાસ કર્યા હતા. અંગે બંને ટ્રસ્ટીઓને બદનામ કરવાની, સમાજમાંથી બહાર કાઢવા અને જાનથી મારવા સુધીની ધમકી મળી હતી. જેના પગલે બંને મહારાજ સાહેબો વિરુદ્ધ ડૉ. આશિત દોશીએ ફરિયાદ નોંધાવી હતી. મામલે ફરિયાદમાં જે મહિલા દુષ્કર્મનો ભોગ બન્યાનું જણાવ્યું હતું.

          પોલીસે તે મહિલાનું નિવેદન લીધું હતું. ફરિયાદી ડૉ. આશિત દોશીએ જણાવ્યું હતું કે મહિલા સામે ચાલી અમારી પાસે દુષ્કર્મ થયાની ફરિયાદ માટે આવી હતી. તેણે અમારા ધર્મગુરૂઓ સાથે પણ બાબતે રજૂઆત કરેલી છે. ઉપરાંત મે મહિનામાં મહિલાએ પોલીસમાં અરજી કરી હતી અને નિવેદન પણ આપ્યું હતું. મહિલા તદ્દન ખોટું બોલી રહી છે.અમારી પાસે મહિલા અને તેના પતિએ આપેલા વિડીયો, લખાણો અને ઓડિયો સહિતના પુરાવાઓ છે.

(10:17 pm IST)