Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

છેલ્લા 24 કલાકમાં રાજ્‍યમાં 57 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડયોઃ આગામી 3 દિવસ વરસાદી માહોલ જળવાયેલો રહેશે

અમદાવાદઃ રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 57 જેટલા તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં જોવા મળશે. સાથે છેલ્લા 24 કલાકમાં વીજળી પડતા બે લોકોના મોત થયા હોવાની ઘટના પણ સામે આવી છે.

અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજયમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. રાજયના ઘણા તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદને લઈ ખેડૂતોમાં આંનદ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. જ્યારે સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં પણ વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે.

તમને જણાવી દઈએ કે, બુધવારના રોજ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયમાં સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. ત્યારે એક કલાક પડેલા વરસાદને પગલે શહેરના ઘણી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણા અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા.

(4:54 pm IST)