Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

હવે શિક્ષકો માથે નવી જવાબદારી

વિદ્યાર્થીઓના ઘરે જઈ ટીવી પર આવતા અભ્યાસક્રમ વિશે સમજ આપવાની રહેશે

અમદાવાદ, તા.૨૫: હોમ લર્નિંગ અસરકારક બનાવવા શિક્ષકોને હવે વિદ્યાર્થીઓના ઘરે જવાનું ફરમાન અપાયું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવાયું છે કે હોમ લર્નિંગ અંતર્ગત ૧૫ જૂન થી રાજયમાં દૂરદર્શન, ડીડી ગિરનાર ચેનલ, વંદે ગુજરાત, બાયોગેસ ચેનલો, સીસીસી ખાતેથી વર્ચ્યુઅલ કલાસરૂમ, જેવા માધ્યમથી, ટેલિફોન સમ્પર્ક જેવા અલગ અલગ માધ્યમથી હોમ લર્નિંગ ચાલુ કરવામાં આવ્યું છે.

શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ઘરે ઘરે પાઠય પુસ્તકો પણ પહોચાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આ કાર્યક્રમ અંગે જાણતા થાય તે માટે તેમનો ટેલિફોન દ્વારા સંપર્ક કરવો જરૂરી છે. જેથી શિક્ષકોને જાણ કરવામાં આવી છે કે NCERT દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે દરેક શિક્ષક દ્વારા પોતાના કલાસરૂમના ઓછામાં ઓછા ૧૫ વિદ્યાર્થીઓ કે વાલીઓનો સમ્પર્ક કરે.

વિદ્યાર્થીઓના ઘરે જઈ ટીવી પર આવતા અભ્યાસક્રમ વિશે સમજ આપવાની રહેશે તેને તમામ પ્રકારનું માર્ગદર્શન આપવાનું રહેશે. બીજા દિવસે ૧૫ નવા વિદ્યાર્થીઓ વાલીઓનો સંપર્ક કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ ને આપવામાં આવતા આ માર્ગદર્શનનું એક રજીસ્ટર મેન્ટેઇન કરવામાં આવે તેવું પણ પરિપત્રમાં જણાવાયું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે અગાઉ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને એક મહિનાના કોર્ષના પુસ્તકો પહોંચાડી અભ્યાસ ના બગડે તેવો પ્રયાસ કરાયો હતો.

(3:41 pm IST)