Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત દસ્તાવેજની વેલિડિટી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

રિન્યૂઅલ માટે લોકોને દોડધામ નહીં કરવી પડે

અમદાવાદ, તા. રપ : કોરોના સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં નાગરિકોને મોટર વિહિકલ એકટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના દસ્તાવેજોની વેલિડિટી બાબતે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇશ્યૂ કરવામાં આવી છે. તે મુજબ વાહનના ફિટનેસ, પરમીટ (તમામ પ્રકાર), લર્નિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ અથવા મોટર વિહિકલ એકટ-૧૯૮૮તથા તેના નિયમો હેઠળના તમામ દસ્તાવેજોની વેલિડિટી તા.૩૦મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે.

જે અંતર્ગત તા.૧લી ફેબ્રુઆરી-ર૦ર૦ના રોજ પૂરી થતી હોય અથવા તા.૩૦મી સપ્ટેમ્બર-ર૦ર૦ સુધીમાં પૂરી થનાર હોય તેવા દસ્તાવેજોને તા. ૩૦મી સપ્ટેમ્બર-ર૦ર૦ સુધી માન્ય ગણવામાં આવશે. આ બાબતની જાણ પોલીસ તથા આરટીઓ અને એઆરટીઓને કરવામાં આવી હોવાનું વાહન વ્યવહાર કમિશનર દ્વારા જણાવાયું છે. એટલું જ નહીં રાજય સરકાર હવે ટેકસ, રિન્યુઅલ, પનલ્ટી વગેરે પર છૂટ આપવા માટે પણ વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. જેમના ડોકયુમેન્ટની વેલિડિટી ખતમ થઇ ચૂકી છે તેવા લોકોને આ નિર્ણયના કારણે રાહત મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૩૦ માર્ચના રોજ આ દસ્તાવેજોની મુદત ૩૦ જૂન સુધી વધારવામાં આવી હતી. ૩૦ માર્ચે જાહેર કરાયેલા આદેશમાંજણાવવામાં આવ્યું હતું કે ૧ ફેબ્રુઆરી ર૦ર૦ દરમિયાન એકસપાયર થઇ રહેલા વાહનોના દસ્તાવેજોની મુદત ૩૦ જૂન સુધી વધારવામાં આવી છે. રપ માર્ચના રોજ સરકારે લોકડાઉનની જાહેરાત કર્યા પછી ૩૦ માર્ચે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીને પગલે  રપ માર્ચથી તમામ સરકારી ઓફીસો અને બિન આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે લોકો તેમના વાહન સંબંધીત કોઇ કામગીરી કરી શકયા ન હતા.

(3:04 pm IST)