Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સુરતના મીલ માલિકનું અપહરણ કરી પાંચ કરોડની ખંડણી માંગવાનું કાવત્રુ મહેસાણા જેલમાં રચાયેલું

કુવિખ્યાત ગેંગસ્ટર અમરસિંહ ઠાકોરને નામચીન અજય દતે ટીપ આપેલી : સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ઝેડ. એન. ધાસુરા તથા પીઆઇ કુલદીપ ગઢવી ટીમની પૂછપરછમાં પાંડેસરાથી ઝડપાયેલા અજય બેંગાલી (દત) દ્વારા સ્ફોટક કબુલાત

રાજકોટ, તા., ૨૫: સુરત(કીમ)ના  મીલ માલિકનું અપહરણ કરી પાંચ કરોડની  ખંડણી માંગવાનું કાવત્રુ મહેસાણા જેલમાં ગોઠવાયું હોવાની સનસનાટીભરી કબુલાત સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા અને સમગ્ર ખંડણી-લૂંટની ટીપ આપનાર અજય દતે આપી હોવાની બાબતને સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કુલદીપ ગઢવી અને પીઆઇ  ઝેડ.એન.ધાસુરાએ અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.

અજય દત ઉર્ફે અજય બંગાલી નવેક માસ અગાઉ મહેસાણા વીસનગરમાં ગાંજા સાથે ઝડપાયા બાદ તેને મહેસાણા જેલમાં રાખવામાં આવેલ. આ દરમિયાન તેની ઓળખાણ કુવિખ્યાત અમરસિંહ ઠાકોર સાથે થયા બાદ જેલમાં જ કાવત્રુ રચી ત્યાર બાદ  ઘટનાના ૪ દિવસ અગાઉ અમરસિંહ ઠાકોર ગેંગના સભ્યો સુરતના કીમ પીપોદરા ખાતે  ખંડણી અને લુંટના પ્લાનને અંજામ આવેલા તેમ પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું.

અત્રે યાદ રહે કે અમરસિંહ ઠાકોર ગેંગ ખંડણી અને લુંટના કાર્યને કામિયાબ બનાવે તે અગાઉ મહેસાણા પોલીસના હાથે આ ગેંગના કેટલાક સભ્યો ઝડપાઇ ગયા હતા. આરોપીઓની પુછપરછ દરમિયાન પાંચ કરોડની ખંડણી અને લુંટની ટીપ કુવિખ્યાત અજય દત ઉર્ફે અજય બંગાલીએ આપ્યાનું ખુલવા પામતા મહેસાણા પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ ઝેડ.એન.ધાસુરા તથા પીઆઇ કુલદીપ ગઢવીના સુપરવીઝન હેઠળની ટીમોએ અજય દતને શોધવા માટે બાતમીદારોને કામે લગાડયા હતા.

દરમિયાન પીએસઆઇ એચ.એ.સિન્ધા તથા કે.એ.સાવલીયા અને સ્ટાફે પીઆઇ ઝેડ.એન.ધાસુરાની બાતમી આધારે અજય દતને સુરતના પાંડેસરા, સિધ્ધાર્થેનગરમાંથી ઝડપી પાડયો હતો. અજય દત અગાઉ પણ જેલ યાત્રા કરી ચુકયો છે. કુવિખ્યાત અજય દતને ગણત્રીના કલાકોમાં ઝડપી લેવા બદલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા તથા એસીપી આર.આર.સરવૈયા વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

(2:48 pm IST)