Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

આઇપીએસ બઢતી-બદલીઃ મહત્વના જીલ્લા અને રેન્જ માટે રાફડો ફાટયો છે

રાજયસભાની ચૂંટણીઓ-રથયાત્રાનો પેચીદો પ્રશ્ન પૂર્ણ થતા બહુચર્ચીત કાર્ય હાથ પર લેવાતાની સાથે જ તંત્રને ૭ કોઠા વિંધવા જેવું લાગી રહયાના આ છે કારણો : ડીજીપીને બીજુ એક્ષ્ટેન્શન મળે કે ન મળે, આવતા માસના અંત સુધી કાર્યરત રહેવાના હોવાથી મુખ્ય પોલીસ વડાના સ્થાન માટે ચાલુ માસ દરમિયાન કઇ રીતે વિચારવું ? કોયડોઃ રથયાત્રાનો પ્રશ્ન પુર્ણ થતા ૪ ડીસીપીની બઢતીનો પ્રશ્ન ભલે ઉકેલાય, અમદાવાદ સીપી-સ્પે. પોલીસ કમિશ્નર વિગેરેના ફેરફારોની કાર્યવાહીને પણ મુખ્ય ડીજીપીનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી બ્રેક લગાવવી પડેઃ ટૂંકમાં કહીએ તો પ્રશ્ન હાથ પર લીધા બાદ ઘણા ફસાયેલા 'પેચો'ની ગુંચો ઉકેલવી પડશે

રાજકોટ, તા., ૨૫: અવઢવ વચ્ચે રથયાત્રાના બદલે રથો મંદિર પ્રાંગણમાં જ ફરવા સાથે પ્રતિષ્ઠારૂપ બનેલી રાજસભાની ચૂંટણીઓ પૂર્ણ થવાના પગલે મહત્વના કાર્યો  હાથ પર લેવાની શરૂઆતના ભાગરૂપે ગૃહ મંત્રાલય દ્વારા આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલીની કાર્યવાહીનો પ્રારંભ તો કર્યો પરંતુ ૧૩ જેટલા એસપીઓને ડીઆઇજી તરીકે બઢતી આપવા સાથે ડીઆઇજી અને આઇજી કક્ષાએ જે બદલીઓ કરવાની છે તેમાં ચોક્કસ સ્થાનોના પોસ્ટીંગ મામલે 'પેચ' ફસાયો હોવાનું સૂત્રો જણાવે છે.

એસપી કક્ષાએ ૧૩ અધિકારીઓને બઢતી આપવા સમયે તેનાથી ડબલ એસપી કક્ષાના અધિકારીઓના ફેરફારો કરવા પડે તે સ્વભાવિક છે. એસપી કક્ષાના ૪ ડીસીપી અમદાવાદમાં ફરજ બજાવતા હોવાથી હવે રથયાત્રાનો પ્રશ્ન પૂર્ણ થતા તે બાબત હલ થઇ છે.

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને ફરી એક્ષ્ટેન્શન મળશે કે નહિ, તે બાબત બાજુએ રાખીએ તો પણ તેઓ હજુ આવતા માસના અંતે નિવૃત થવાના છે જેથી આવતા માસના અંત પહેલા અને ઓગષ્ટ માસની શરૂઆત સુધી નવા મુખ્ય પોલીસ વડા અંગે વિચારી ન શકાય તે સ્વભાવિક છે. આનો સીધો અર્થ એ થાય કે અમદાવાદના પોલીસ કમિશ્નર હોય કે પછી સ્પેશ્યલ પોલીસ કમિશ્નર  આ બાબત પેન્ડીંગ રાખવી પડે.

ગૃહ મંત્રાલય માટે બીજી સમસ્યા એ છે કે ચોક્કસ જીલ્લાઓ અને ચોક્કસ રેન્જો માટે કેટલાક અધિકારીઓ દ્વારા છ-છ માસથી પારીવારીક કારણો કે અન્ય કારણોસર ચોક્કસ જગ્યાઓ પર બુકીંગ પ્રકારની માંગણી છે. આવી જગ્યાઓ ઉપર એક નહિ અનેક દાવેદારો છે. જો કે આ બધા નિર્ણયો અમીતભાઇ સાથે ચર્ચા કર્યા બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી કાર્યાલયના સર્વે સર્વા એવા કે.કે. અર્થાત કૈલાશનાથનજી  દ્વારા લેવાતા હોય છે. આમ પ્રક્રિયા તો શરૂ થઇ પરંતુ 'પેચ' પણ ઘણા ફસાયા છે.

(12:53 pm IST)