Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

શું છુટકારો મળશે?

અમદાવાદ માટે રાહતના સમાચારઃ એકટીવ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે

અમદાવાદ, તા.૨૫: શું કોરોના વાયરસથી અમદાવાદને ધીરે-ધીરે છૂટકારો મળી રહ્યો છે? રાજયના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે બુધવારે ૫૭ દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછા ૨૧૫ કેસ નોંધાયા છે.

ભારતના ટોપ-૧૦ કોરોના હોટસ્પોટમાં અમદાવાદમાં કેસનો ઘટાડો નોંધાયો છે. કુલ કેસની સંખ્યામાં દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ બાદ અમદાવાદ ૧૯,૬૦૧ કેસ સાથે ચોથા નંબર છે. જયારે મુંબઈ અને દિલ્હી બાદ મૃતકોની સંખ્યામાં અમદાવાદ ત્રીજા નંબર પર છે. અમદાવાદમાં કોરોના વાયરસના કારણે ૧,૩૭૮ લોકોના મોત થયા છે.

અમદાવાદમાં છેલ્લા ૨૦૦ની રેન્જમાં કોરોના કેસ એપ્રિલના અંતમાં નોંધાયા હતા. જેમાં ૨૯મી એપ્રિલના દિવસે ૨૩૪ અને ૩૦ એપ્રિલના દિવસે ૨૪૯ કેસ નોંધાયા હતા. આ મે મહિનામાં દરરોજ ૨૫૦થી વધુ કેસ સામે આવવા લાગ્યા. જયારે જૂનમાં ૩૦૦ની ઉપર આંકડો પહોંચ્યો હતો. જોકે, પાછલા ત્રણ-ચાર દિવસમાં દરરોજ નોંધાતા કેસનો આંકડો ૩૦૦ની અંદર આવી રહ્યો છે.

પાછલા ૫ દિવસમાં જિલ્લામાં કુલ કુલમાં રાજયમાં ૪૮% કેસ નોંધાયા છે, જેની ટકાવારી જૂનની શરુઆતમાં (૧થી ૫ તારીખમાં) ૬૪.૪% હતી, જયારે મહિનાની મધ્યમાં (જૂન ૧૩-૧૭) દરમિયાન ૬૪.૫% હતી. જૂન મહિના દરમિયાન જિલ્લામાંથી નોંધાયેલા કેસની ટકાવારી ૬૦.૮% રહી છે. જયારે માર્ચ ૩૧્રુ, એપ્રિલમાં ૬૯.૫% અને મેમાં ૭૩.૮% રહી હતી. જયારે રાજયમાં નોંધાયેલા કુલ કેસમાંથી વડોદરાના કેસની ટકાવારી ૭.૭% છે, જે પાછલા પાંચ દિવસમાં ૭.૮% રહી છે. જયારે સુરતમાં વધારો નોંધાયો છે. સુરતમાં કેસની ટકાવારી જૂન ૧-૫ વચ્ચેની ટકાવારી ૧૩.૮% રહી હતી, જયારે પાછલા ૫ દિવસની ટકાવારી ૨૩.૭% થઈ છે.

આ ગણતરીમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કેસના ઉછાળા આ ત્રણ શહેરો (અમદાવાદ, સુરત અને વડોદરા)માં ઘટાડો નોંધાયો છે. આ ત્રણ જિલ્લાના કેસની ટકાવારી પર નજર કરીએ તો તે જૂનની શરુઆતમાં ૮૬% હતી તે પાછલા ૫ દિવસમાં ઘટાડા સાથે ૭૯.૩% પર પહોંચી છે.

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ (AHNA)ના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, હોસ્પિટલમાં દાખલ થયેલા એકિટવ કેસમાં ચોક્કસ પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું કે, AMC કોટામાં આવતી ANHA-એફિલેટેડ હોસ્ટિલમાં લગભગ ૩૦-૪૦% બેડ ખાલી છે.

જયારે રાજયમાં રોજના રેકોર્ડ ૫૫૦ કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે નોંધાયેલા વધુ ૫૭૨ નવા કેસ સાથે કુલ આંકડો ૨૯,૦૦૦ને પાર કરી ગયો છે. જયારે ૨૫ લોકોના મોત નોંધાયા છે. આ સાથે વધુ ૫૭૫ લોકોને હોસ્પિટલમાંથી રજા મળવાની સાથે કુલ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૨૧,૦૯૬ થઈ છે.

(10:16 am IST)