Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

હવે માત્ર ત્રણ લગ્નમુહૂર્તઃ પહેલી જુલાઇથી હિન્દુ ચાતુર્માસ પ્રારંભ

૨૫ નવેમ્બરે દેવઊઠી એકાદશી સુધી લગ્ન કાર્ય પર રોક લાગશેઃ આસો અધિક માસને કારણે પાંચ મહિના સુધી લગ્નની શહેનાઇ નહીં ગૂંજે

અમદાવાદ, તા.૨૫: કોરોના સંક્રમણ અને લોકડાઉનના ડર વચ્ચે ચાલુ વર્ષે લગ્ન સહિતના શુભકાર્યો, મુહૂર્ત અટવાઇ ગયા છે. ૧૫ માર્ચથી શરૂ થયેલી લોકડાઉનની સ્થિતિમાં હમણાં સુધીમાં હજારો લગ્ન સમારોહ મોકૂફ રાખીને આગામી નવેમ્બર માસથી શરૂ થનારી નવી લગ્નસિઝનમાં સમારોહ યોજવાની તૈયારીઓ કરવામાં આવી છે. એવામાં હવે માત્ર ચાલુ લગ્ન સિઝનના માત્ર ૩ જ લગ્નમુહૂર્ત બાકી રહેવાની સાથે જ આગામી ૧ જુલાઇના બુધવારથી હિન્દુ ચાતુર્માસ શરૂ થશે. ૨૫, ૨૯ અને ૩૦ જૂનના રોજ લગ્નમુહૂર્ત બાદ ૨૫ નવેમ્બરે દેવઉઠી એકાદશી સુધી લગ્નકાર્ય પર રોક લાગશે.

હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. ચાલુ વર્ષે ૧ જુલાઇએ દેવપોઢી એકાદશી અને ૨૫ નવેમ્બરે દેવઉઠી એકાદશી હોય વચ્ચેના દિવસોમાં ચાતુર્માસની ગણતરીએ લગ્નની શહેનાઇઓ ગૂંજશે નહીં. નોંધનીય છે કે, ચાલુ વર્ષે લોકડાઉનને કારણે પહેલેથી જ લગ્નસરાની મોસમ ફીક્કી પડી ગઇ છે. એવામાં હવે માત્ર ૨૫, ૨૯ અને ૩૦ જૂનના રોજ ત્રણ જ મુહૂર્ત બાકી રહ્યા હોય ૩૦ જૂને અંતિમ મુહૂર્ત બાદ લગ્નસરાની વર્તમાન સિઝન પૂર્ણ થશે.

બીજીબાજુએ લગ્નસરાની ચાલુ સિઝન પર નજર કરીએ તો, લોકડાઉનના સમયગાળામાં ૧૪ જેટલા લગ્નમુહૂર્ત હોવાની સાથે જ અનેક સમારોહ અટવાઇ ગયા હતા. ગત માર્ચ માસમાં ૧૧ અને ૧૨ તારીખે લગ્નમુહૂર્ત હતા. ત્યાર બાદ એપ્રિલમાં ૧૬, ૨૬ અને ૨૭મીએ ત્રણ મુહૂર્ત, મે માસમાં ૨, ૫, ૬, ૮, ૧૪, ૧૭, ૧૮ અને ૧૯મીના રોજ ૮ મળીને એપ્રિલ અને મે માસના કુલ ૧૧ મુહૂર્ત, લગ્ન સમારોહ અટવાઇ ગયા હતા. જયારે જૂન માસમાં ૧૧, ૧૪, ૧૫મીએ લગ્ન મુહૂર્ત બાદ હવે ૨૫, ૨૯ અને ૩૦મીના રોજ લગ્ન મુહૂર્ત છે. કુલ ૧૪ મુહૂર્ત લોકડાઉનના સમયગાળામાં આવવાની સાથે જ શહેરમાં હજારો સમારોહ મોકૂફ કરી દેવાયા હતા. જયારે દ્યણા સમારોહમાં મર્યાદિત ૫૦ જેટલા સભ્યોની હાજરીમાં સંયમ અને સાદગી પ્રમાણે લગ્નવિધિ આટોપી દેવામાં આવી હતી. ૩૦ જૂન બાદ લગ્નસરા પૂરા થવાની સાથે જ લગ્નની શહેનાઇ ગૂંજતી બંધ થશે.

શાસ્ત્રી ડો.કર્દમ દવેના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે હિન્દુ ચાતુર્માસ એટલે કે દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી વચ્ચે ચાર મહિનાનું અંતર હોય છે, પરંતુ ચાલુ વર્ષે આસો અધિક માસ હોવાથી આ અંતર પાંચ મહિનાનું થઇ ગયું છે. ૧ જુલાઇએ દેવપોઢી એકાદશી બાદ હવે ૨૫ નવેમ્બરે દેવઉઠી એકાદશી સાથે લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. તે વચ્ચે ૨૨ ઓગસ્ટે ગણેશોત્સવનો આરંભ થશે. ૧૮ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબરે અધિક માસ છે. ત્યાર બાદ સામાન્ય આસો માસ શરૂ થવાની સાથે નવરાત્રિ પર્વ આવશે. આ વર્ષે ગણેશ ચતુર્થી અને નવરાત્રિ પર્વ વચ્ચે દોઢ મહિનાનો સમયગાળો રહેશે.

(10:16 am IST)