Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વટવા-નરોડાના એસ્ટેટ એક થતાં પ્રગતિ પેનલનું પલડું ભારે

ગુજરાત ચેમ્બરની ચૂંટણીનો પ્રચાર જોરમાં : ચેમ્બર ઉપર વર્ચસ્વ માટે વટવા અને નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વચ્ચેના શક્ય ટકરાવને ટાળવામાં આવ્યો

અમદાવાદ, તા. ૨૪ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જ પ્રગતિ પેનલમાં વટવા અને નરોડામાં હોદ્દેદારો એક-બીજાના સહયોગમાં આવી જતા પેનલનું પલડું ભારે થઈ ગયું છે. સામાન્ય સંજોગોમાં ચેમ્બર ઉપર વર્ચસ્વ માટે વટવા અને નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અગ્રણીઓ આમને સામને રહેતા હતા જે હવે આ ચૂંટણીમાં સાથે થઈ ગયા છે. આ ઉપરાંત પ્રગતિ પેનલમાં ઉદ્યોગ જગતના ઘણા મોટા માથાઓ નો પણ સમાવેશ થતા હરીફો માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર સમક્ષ વેપારીઓના પ્રશ્નોની રજૂઆત કરવા માટે રચાયેલી ચેમ્બર ના હોદ્દેદારો હવે ચેમ્બરના નામે પોતાના કામ કઢાવી રહ્યા છે. વેપારીઆલમમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી ચેમ્બરની ચૂંટણીમાં તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ડિજિટલ પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. એક તરફ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહના સપોર્ટમાં પ્રગતિ પેનલની રચના કરવામાં આવી છે

               જેમાં વટવા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ અને નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હોદ્દેદારો સાથે બેસી જતાં તેનું વજન વધી ગયું છે આ ઉપરાંત પ્રગતિ પેનલમાં જાણીતા બિલ્ડર પ્રવીણ કોટક, મસ્કતી કાપડ મહાજનના ગૌરાંગ ભગત, વટવા ગ્રીન્સ  પ્રોજેક્ટના ભુપેન્દ્ર પટેલ, વીર કોર્પોરેશન વાળા ચેતન શાહ મદનલાલ જયસ્વાલ, વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અંકિત પટેલ તથા નરોડાના પથિક પટવારી,  જોડાતાં પ્રગતિ પેનલ મજબૂત થઈ છે. બીજી તરફ હજુ સામે પક્ષે કોઇ પેનલની રચના થઈ નથી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે જયેન્દ્ર તન્નાએ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધું છે જ્યારે પ્રગતિ પેનલમાંથી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કે આઈ પટેલ ની સામે ભાવેશ લાખાણી તથા અશોકભાઇ પટેલ પણ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અશોક પટેલ તથા ભાવેશ લાખાણી બંને યુવાનોને તક આપવાના મુદ્દે ચૂંટણી લડી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. ચેમ્બરમાં તમામ સભ્યોને ઉમેદવારો દ્વારા પોતાની કારકિર્દી દરમિયાન વ્યાપાર ઉદ્યોગ માટે કરવામાં આવેલા કામ અને જે કંઈ અભિયાન ચલાવવામાં આવ્યા હતા તેની વિગતો સાથેના વોટ્સએપ અને ઇમેલ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે બંને પક્ષે ગ્લોસી પેપર વાળા પ્લેમફ્લેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં ચૂંટણીની પ્રચાર પ્રસાર માટે ની ઓફીસ પણ કાર્યરત થઈ જશે.

(10:21 pm IST)