Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

અમદાવાદમાં બપોરે અચાનક વાતાવરણ પલટાયંુ : વરસાદ

અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડયો : સાણંદ, બાવળા, શેલા અને દસક્રોઈમાં પણ વરસાદ પડ્યો રાજ્યભરના અન્ય ભાગોમાં પણ મેઘરાજાની જોરદાર મહેર

અમદાવાદ, તા. ૨૪ : અમદાવાદઃ અષાઢના આગમન સાથે જ ગુજરાતમાં ફરી મેઘરાજાએ જમાવટ કરી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે બપોરે અચાનક વાતાવરણ પલ્ટાયું હતું, અને કાળાડિબાંગ વાદળો આકાશમાં છવાઈ ગયા હતા અને જોતજોતામાં જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો હતો. શહેરના પાલડી, વેજલપુર, નવરંગપુરા, સેટેલાઈટ, તેમજ પૂર્વના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વરસાદનું લાંબા વિરામ બાદ ફરી આગમન થયું છે. વરસાદ અટકી જતાં શહેરીજનો ઉકળાટથી ત્રાસી ગયા હતા. અમદાવાદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ શરુ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સાણંદ, બાવળા, શેલા, દસક્રોઈમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે, અને ઠેકઠેકાણે સારો એવો વરસાદ થયાના પણ સમાચાર છે.

              અરવલ્લી જિલ્લામાં આજે સારો વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તેમજ અન્ય જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં આગામી પાંચ દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો ભારે બફારાથી ભારે પરેશાન હતા ત્યારે બપોરનાવરસાદથી લોકોને બફારામાં છુટકારો મળ્યો હતો. રાજ્યમાં તાપમાનમાં પણ આના કારણે ઘટાડો થઇ શકે છે. સમગ્ર રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો.

(10:20 pm IST)