Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ પોઇન્ટ અને નશાનું કેન્દ્ર ન બને તે માટે સરકાર કટિબદ્ધ : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઝડપાઈ રહેલા ડ્રગ્સના સેંકડો કિલો જથ્થાને પગલે રાજ્ય સરકારે મોડે મોડે પણ આપી તીખી પ્રતિક્રિયા : પાકિસ્તાન સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની નજર પંજાબ પછી લાંબા સમયથી છે ગુજરાત પર

ભુજ :  કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પકડાઈ રહેલ બિનવારસુ ચરસના જથ્થાનો આંકડો એક ટન એટલે કે એક હજાર કિલોની નજીક પહોંચ્યા પછી રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે. જોકે, છેલ્લા એક વર્ષથી કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ, સ્થાનિક પોલીસ, બીએસએફ, સ્ટેટ આઈબી સહિતની એજન્સીઓએ સૌરાષ્ટ્ર કચ્છના દરિયા વાટે પાકિસ્તાન સાથે સંકળાયેલા ડ્રગ્સ માફિયાઓ દ્વારા ઘુસાડવામાં આવતું સેંકડો કિલો ચરસ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ માફિયાઓએ હવે પંજાબને બદલે ગુજરાતને ડ્રગ્સનું લેન્ડિંગ પોઇન્ટ બનાવ્યું હોય એવી દહેશત મીડીયા દ્વારા વારંવાર વ્યક્ત કરવામાં આવતી રહી છે

  . જોકે, આ વખતે ત્રણ દિ'માં ઝડપાયેલા ચરસના મોટા જથ્થા પછી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સતાવાર બ્યાન આપતાં જણાવ્યું છે કે, કચ્છમાંથી પોલીસ સહિતની એજન્સીઓની સતર્કતા ને પગલે ૮૫૦ કિલો ચરસનો જથ્થો ઝડપાયો છે. પાકિસ્તાન સાથે મૂળ ધરાવતા આ કિસ્સામાં સરકાર મૂળ સુધી તપાસ કરશે. ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ ન થાય તે માટે પણ સરકાર કટિબદ્ધ અને સતર્ક હોવાનું ગૃહમંત્રી જાડેજાએ જણાવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સુરક્ષા એજન્સીઓ ગુજરાતના ૧૬૦૦ કીમી લાંબા દરિયા કિનારા ઉપર સયુંકત રીતે સતર્કતા નજર રાખી રહ્યા હોવાનું જણાવતાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નશાના કારોબારમાં સંકળાયેલા ગુનેગારો સામે સરકાર કડક હાથે કામ લેશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં.

(9:51 pm IST)