Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું કાર્યરત કરાવ્યું

હવે ગ્રામીણ પશુપાલકોને ટોલ ફ્રી નંબર ૧૯૬ર પરથી ૩૬પ દિવસ સવારે ૭થી સાંજે ૭ ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે: ગુજરાત આવી સેવા આપનારૂ દેશનું પ્રથમ રાજ્ય બન્યુ

અમદાવાદ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા - સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂ પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા ગુજરાતમાં ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું કાર્યરત કરાવ્યું છે. રૂપાણી સરકારે આ ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં કાર્યરત કરી છે.

  સમગ્ર રાજ્યમાં આવા ૪૬૦ જેટલા મોબાઈલ પશુ દવાખાના કાર્યરત કરીને ૪૬૦૦થી વધુ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ઘેરબેઠા આરોગ્ય સંભાળ સુવિધા ઉપલબ્ધ બની ગઈ છે. આમ, હવે ગ્રામિણ પશુપાલકોને ઓન કોલ ૧૯૬૨ સેવાથી ૩૬૫ દિવસ સવારે ૭થી સાંજે ૭ ઘરે બેઠા વિનામૂલ્યે પશુ સારવાર અપાશે. આ વ્યવસ્થાથી રાજ્યનાં ૩.૫ કરોડ પશુઓને લાભ થશે.
  ગુજરાતમાં માનવ આરોગ્યની ત્વરિત તાત્કાલિક અને સુગમ સારવાર માટે જેમ ૧૦૮ની સેવાઓ હાલ કાર્યરત છે તેવી જ રીતે પશુપાલકો માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર પશુપાલકોને મળી રહે તે માટે ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના પશુ સારવાર સેવા માટે અતિ મહત્વપૂર્ણ પગલું બનશે

 આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રી ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઈ શકશે. આ સાથે જ કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. ગુજરાત આવી સેવા આપનારૂ દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે જે પાછળનો તમામ શ્રેય જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફાળે જાય છે.

(9:21 pm IST)