Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉનમાં પડી રહેલાં વાહનોની બેટરી ડાઉન થવાની પરેશાની

વાહનોના સર્વિસ સ્ટેશનમાં ૧૫ દિવસનું વેઇટિંગ ચાલે છે

અમદાવાદ,તા.૨૫: કોરોના મહામારીના કારણેઅમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાં ચાલેલા લોકડાઉનના કારણે લોકોના વાહનો બંધ હાલતમાં પડી રહ્યા હતા. દોઢ મહિનો વાહન બંધ હાલતમાં પડી રહેવાના કારણે મોટા ભાગના વાહનોની બેટરી ઉતરી ગયાની ફરિયાદો વધી છે.

જેના કારણે બજારમાં ટુ વહીલર અને ફોર વ્હીલરની બેટરીના ચાર્જમાં નિયત ચાર્જ કરતા રૂપિયા ૩૦૦ થી ૫૦૦ વધુ વસુલાત હોવાની ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે. તેટલું ઓછું હોય તેમ લોકડાઉનના કારણે વાહનોના સર્વિસ સ્ટશનોમાં ૧૫ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

લોકો છેલ્લા દોઢ મહિનાથી વાહનોનો ઉપયોગ કરી શકયા નથી કેટલાક લોકોના નવા વાહનોનો સર્વિસ પિરિયડ પણ પૂરો થઈ ગયો છે. હાલમાં લોકડાઉનમાં છૂટછાટ માળટા ધીરે ધીરે ગેરેજ અને સર્વિસ સ્ટેશન ખુલવા લાગ્યા છે.

જેના કારણે હવે સર્વિસ સ્ટેશનોમાં લોકોનો ઘસારો વધ્યો છે અચાનક મર્યાદા કરતા વધુ વાહનો સર્વિસ સ્ટેશનોમાં નોંધાતા કારીગરોની અછત વચ્ચે હવે વાહન માલિકોને તેમના વાહનની સર્વિસ માટે ૧૫ દિવસનો વેઇટિંગ માટેનો સમય આપવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે એક સર્વિસ સ્ટેશનમાં એક દિવસમાં ૧૦ થી ૧૫ કારની સર્વિસ કરવામાં આવે છે મોટા ભાગના વાહનોમાં ખોટકાયેલી બેટરી વોરંટી પિરિયડમાં હોવા છતાં ડીલરો રિપ્લેસ નહીં કરી આપતા હોવાની ફરિયાદો વધી રહી છે

કંપની ડિલરને અને ડીલર કંપનીને આ મુદે ખો આપી રહી છે જના કારણે વાહન માલિકોનો મરો થઇ રહ્યો છે કેટલાય વાહનમાલિકો આવી કડાકૂટમાં પડવાના બદલે માત્ર બે માસ પહેલા બેટરી ખરીદી હોય અને વોરંટી પિરિયડમાં આવતી હોય તો પણ નવી બેટરી મજબૂરીના માર્યા ખરીદી લે છે.

(4:02 pm IST)