Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

NFSA પરિવારોને ૨૭મીથી ફ્રીમાં અનાજ વિતરણ શરૂ થશે

મનપાના ૩.૩૨ લાખ પરિવારોને લાભ મળશે : રાજ્યમાં હજુ સુધી અમદાવાદ સિવાયના વિસ્તારમાં ૫૫ લાખ એનએફએસએ પરિવારોએ નિશુલ્ક અનાજ મેળવ્યું

અમદાવાદ,તા.૨૪ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોઇ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને ભૂખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે ૬૮.૮૦ લાખ એનએફએસએ અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો તેમજ ૬૧ લાખ એપીએલ-૧ કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ એપ્રિલ માસ દરમિયાન અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા કરાવ્યું છે. તેમણે એ જ પદ્ધતિએ મે મહિનામાં પણ આ અનાજ વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવા રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યો છે. તદ્દનુસાર સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેર સિવાયના વિસ્તારોમાં મે મહીના માટે એનએફએસએ કાર્ડ ધારકોને રાજ્ય સરકાર દ્વારા ઘઉં-ચોખા, ખાંડ અને મીઠું તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે વધારાના અનાજ તરીકે વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા અને કાર્ડ દીઠ એક કિલો દાળનું વિતરણ તારીખ ૧૭મી મે થી તા. ૨૭મી મે દરમિયાન થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ અમદાવાદ શહેર માટે આવા એનએફએસએ કાર્ડધારક ૩.૩૨ લાખ પરિવારોને મળવાપાત્ર અનાજનું વિતરણ આગામી તારીખ ૨૭મી મે થી તા. ૬ઠ્ઠી જૂન સુધી કરવાનો નિર્ણય કર્યો છે.

              મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યના અમદાવાદ શહેર સિવાયના એનએફએસએ કાર્ડધારક પરિવારોને તારીખ ૧૭મી મે થી તા.૨૭ મે દરમિયાન જે અનાજ વિતરણ શરૂ થયું છે તેમાં, રવિવાર તારીખ ૨૪મી મે સાંજ સુધીમાં ૫૫ લાખ પરિવારોને લાભ અપાયો છે. તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના વ્યાપની વિશિષ્ટ પરિસ્થિતિમાં આ અનાજ વિતરણ અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે આ વિનામૂલ્યે અનાજ વિતરણ અમદાવાદ શહેરના ૩.૩૨ લાખ એનએફએસએ પરિવારો માટે તારીખ ૨૭ મી મે થી તારીખ ૬ઠ્ઠી જૂન-૨૦૨૦ સુધી કરવામાં આવશે. અશ્વિની કુમારે જણાવ્યું કે એનએફએસએ લાભાર્થી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ ૩.૫૦ કિલો ઘઉં, ૧.૫૦ કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો દાળનું અમદાવાદ મહાનગરના ૩.૩૨ લાખ એનએફએસએ પાત્રતા ધરાવતા પરિવારોને વિતરણ થશે. આ વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે, સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો જળવાય, ફરજિયાત માસ્કનો ઉપયોગ થાય અને ભીડભાડ ન થાય તે માટે રેશનકાર્ડના છેલ્લા આંક મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

           આ સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવએ જણાવ્યું કે, જેમના રેશનકાર્ડના નંબરનો છેલ્લો અંક ૧ હોય તેમને તા.૨૭મી મે એ અનાજ વિતરણ કરાશે. એ જ પ્રમાણે છેલ્લા અંકના આધારે બે વાળાને તા. ૨૮મી મે, ૩ વાળાને તા. ૨૯મી, ૪ વાળાને તા. ૩૦મી મે, ૫ છેલ્લો આંક હોય તેને તા. ૩૧મી મે, ૬ વાળાને ૧લી જૂન, ૭ વાળાને તા.૨જી જુન, ૮ વાળાને તા. ૩જી જૂન, ૯ વાળાને તા.૪થી જૂન તથા ૦ વાળાને તા. ૫મી જૂને અનાજ વિતરણ થશે. મુખ્યમંત્રીના સચિવે એમ પણ કહ્યું કે, તા.૬ઠ્ઠી જૂને અમદાવાદ શહેરમાં મોપઅપ રાઉન્ડ રાખવામાં આવેલ છે એટલે કે જો કોઈ એનએફએસએ પરિવાર તેમના નિર્ધારિત દિવસે અનાજ ન મેળવી શક્યા હોય તો તા. ૬ જૂનના દિવસે મૉપઅપ રાઉન્ડ અંતર્ગત તેમને અનાજ વિતરણ કરાશે. તેમણે આ ઉપરાંત રાજ્યમાં એપીએલ-૧, મધ્યમવર્ગીય ૬૧ લાખ પરિવારોને પણ મે મહિના દરમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ થયું તેની વિગતો આપી હતી. સમગ્ર રાજ્યમાં તારીખ ૭મી મેથી તા. ૧૨મી મે દરમિયાન આ અનાજ વિતરણ થયું હતું. અમદાવાદ શહેરના એપીએલ-૧ કાર્ડધારકોને તારીખ ૧૮ થી તારીખ ૨૩ મે દરમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઈ રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સચિવ અશ્વિની કુમારે કહ્યું કે અમદાવાદ શહેરમાં આ વિનામૂલ્યે અનાજ વિતરણનો ૪.૬૦ લાખ પરિવારોએ લાભ મેળવ્યો છે

(9:51 pm IST)