Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

કોરોના રોગના આતંક વચ્ચે પરશુરામ જયંતિની ઉજવણી

મુસ્લિમ સમાજના રમજાન માસનો પણ પ્રારંભ : હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના લોકોએ ઘરોમાં જ રહી પૂજા-બંદગી કરી લોકડાઉન પાલનનું ઉદાહરણ પૂરું પાડયુ

અમદાવાદ,તા.૨૫ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વસતાં ભુદેવોએ વિશ્વમાંથી કોરોનાની મહામારી દુર થાય તેવી પ્રાર્થના સાથે પરશુરામ જયંતિની આજે ભારે શ્રધ્ધાપૂર્વક પરંતુ સાદગી સાથે ઉજવણી કરી હતી. કોરોના વાયરસના કારણે હાલ લોકડાઉન ચાલી રહયું હોવાથી ભુદેવોએ પોતાના ઘરોમાં જ રહી પુજા અર્ચના કરી હતી. તો, આજથી મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસનો પણ પ્રારંભ થયો હોઇ મુસ્લિમ બિરાદરોએ પણ મસ્જિદોમાં જવાનું ટાળી પોતાના ઘરોમાં જ અલ્લાહની નમાઝ-બંદગી કરી હતી. આમ, હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ ધાર્મિક ભાવના વચ્ચે લોકડાઉન પાલનનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડયુ હતું.   સાત ચિરંજીવીમાં એક ગણાતા પ્રભુ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ (ફરશુ)ને કારણે તેઓ પરશુરામના નામથી ઓળખાય છે. ભગવાન બ્રહ્માના દસ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાનાં પુત્ર પરશુરામે ભગવાન શંકર પાસે ધનુર્વિદ્યાની તાલીમ મેળવી હતી.

            હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોવાથી ભુદેવોએ પોતાના ઘરોમાં જ રહી આજે ભગવાન પરશુરામ જયંતિની સાદગીપૂર્ણ પરંતુ ભારે શ્રધ્ધા અને ભાવ સાથે ઉજવણી કરી હતી. ભુદેવોએ ભગવાન પરશુરામજીની પ્રતિમાને પુષ્પો ચઢાવીને વિશ્વમાંથી કોરોનાની માહામારી દૂર થાય અને વિશ્વકલ્યાણની ભાવના સાથે ભગવાન પરશુરામની પુજાઅર્ચના કરી હતી. આજે શનિવારના રોજ હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો. મુસ્લિમ બિરાદરોના પાક રમઝાન માસનો પ્રારંભ થયો છે જયારે હિન્દુ સમાજે પરશુરામ જયંતિની ઉજવણી કરી હતી. બંને સમાજના લોકોએ ઘરોમાં  રહી પૂજા-બંદગી કરી કોરોનાને ખતમ કરવાની પ્રાર્થના કરી હતી.

(9:40 pm IST)