Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સંતરામપુરમાં ટ્રક અને મીની બસ ટકરાતા ૩ના મોત થયા

૨૫થી વધુ મુસાફર ઘાયલ થતાં સારવાર હેઠળ :અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર : હાઇવે ઉપર લોકોના ટોળા ઉમટયા, ટ્રાફિક ચક્કાજામ પણ થયો

અમદાવાદ,તા.૨૨  : મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે ગોધરા-સંતરામપુર હાઈવે પર ઉંબર ટેકરા પાસે એક મીની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ત્રણ વ્યકિતઓના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા, જયારે ૨૫થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, જેઓને સંતરામપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયારે વધુ ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને વધુ સારવાર માટે ગોધરા અને વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને મોત અને ઇજાગ્રસ્તોના સમાચાર સાંભળી સૌકોઇમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટાળો ઉમટયા હતા અને ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક અને મીની બસ વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, મીની બસનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઇ ગયો હતો તો, ટ્રકના આગળના ભાગે પણ ખાસ્સુ નુકસાન થયું હતું. બસમાં બેઠેલા મુસાફરો મોટી સંખ્યામાં ઘાયલ થતાં તેમની રોકકળ અને કરૂણ આક્રંદને લઇ વાતાવરણ ગમગીન બની ગયુ હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે ગોધરા-સંતરામપુર હાઈવે પર ઉંબર ટેકરા પાસે પૂરપાટ ઝડપે જઇ રહેલા એક મીની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યકિતઓના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા, જયારે ૨૫થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.

બનાવને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બીજીબાજુ, પોલીસને જાણ થતાં સ્ટાફના કાફલા સાથે તે પણ ત્યાં દોડી આવી હતી. તો, ૧૦૮ મારફતે ઘવાયેલા મુસાફરોને નજીકની સંતરામપુરની અને વધુ ગંભીર રીતે ઘાયલ હોય તેવા મુસાપરોને વડોદરા અને ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘવાયેલા મુસાફરોની ગંભીર સ્થિતિને જોતાં આ અક્સ્માતના બનાવમાં મૃત્યુઆંક હજુ વધે તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે.

(9:44 pm IST)