Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સરકારે લેણા વસુલવા હરાજીથી લઇ લીધેલ જમીન માલિક-વારસદારને પરત મળી શકશે

જમીન રીગ્રાન્ટ અંગે સરકારનો પરિપત્રઃ અરજદારે જંત્રી મુજબ કિંમત ચૂકવવી પડશેઃ ૨૫ વર્ષ સુધીના કિસ્સામાં કલેકટરને સતા

ગાંધીનગર તા.૨૨: રાજ્યમાં ખેડૂત ખાતેદારો દ્વારા સરકારની ધિરાણ યોજનાઓ અંતર્ગત સરકાર પાસેથી અથવા જમીન વિકાસ બેંક જેવી નાણાકીય સંસ્થાઓ પાસેથી પોતાની જમીનો તારણમાં મુકી તગાડી કે લોન લેવામાં આવે છે. આવી નાણાકીય સહાય ખાતેદાર નિર્ધારિત સમયમાં સંજોગો વસાત ભરપાઇ કરી શકતાં નથી. પરિણામ સ્વરૂપ તેમની જમીનો જાહેર હરાજી કરવા કાર્યવાહી કરવામાં આવે છે અને આવી જમીનો અન્ય કોઇ હરાજીમાં નહીં રાખતા, સરકાર પક્ષે સરકારના પ્રતિનિધિ બાકી વસુલાત જેટલી રકમની બોલી બોલી હરાજીમાં રાખે છે અને ખાનગી જમીનો સરકાર દાખલ થાય છે. આ અંગે સરકારે ૨૦ જુને મહેસુલ વિભાગના ઉપસચિવ એચ.જે.રાઠોડની સહીથી પરિપત્ર બહાર પાડ્યો છે.

સરકારે હરાજીમાં મેળવેલ જમીનો તેમના મૂળ ખાતેદારને કે તેમના કાયદેસરના વારસદારોને પરત મળે તે માટેની નીતિ વંચાણે લીધેલ તા.૩૦-૯-૨૦૧૪ના ઠરાવથી અમલમાં હતી અને તે અનુસાર કેટલીક શરતોને આધીન જમીન રીગ્રાન્ટ કરવામાં આવતી હતી.  ઉકત હકિકત હોવા છતાં કેટલીક જમીનો શહેરી વિસ્તારમાં આવી ગઇ છે અને તે જમીનો ખૂબજ કિંમતી છે, જ્યારે બીજી તરફ આવી જમીનોના મુળ માલિકો દ્વારા ૨૫ વર્ષથી પણ વધુ સમય બાદ જમીન રીગ્રાન્ટ કરવાની માંગણી કરે છે, તેવી જમીનો કે જે...

૧. શહેરની વચ્ચે આવેલી અથવા શહેરની હદથી ૧૦ કી.મી.ની ત્રિજ્યામાં આવેલ જમીનના કબ્જાની સરકાર હસ્તક લઇ રાજ્ય સરકારના અન્ય જાહેર હેતુ માટે અનામત રાખવી.

૨. નગરપાલિકા વિસ્તાર અથવા તેની હદથી પ કીમીની ત્રિજ્યામાં આવેલ જમીનના કબજાની સરકાર હસ્તક લઇ રાજ્ય સરકારના અન્ય જાહેર હેતુ માટે અનામત રાખવી.

ઉપર મુજબની જમીનો સિવાયની જમીન તેના મૂળ ખાતેદાર અથવા તેના કાયદેસરના વારસદારો દ્વારા માગણી થયેથી શરતોને આધીન રીગ્રાન્ટ કરવા આથી ઠરાવવામાં આવે છે.

સરકારી લેણાં પેટે હરાજીમાં સરકાર તરફે ખરીદાયેલ જમીન રીગ્રાન્ટના કેસોમાં હરાજી થયા પછી ૨૫ વર્ષ સુધીમાં નિર્ણય લેવાની સત્તા કલેકટરશ્રીને, જ્યારે ૨૫ વર્ષ પછીના કેસો સરકારશ્રી કક્ષાએ નિર્ણય લેવાનો રહેશે. જમીન હરાજીમાં સરકાર દાખલ થયા બાદ આ જમીન ઉપર જે તે ખાતેદાર કે તેમના કાયદેસરના વારસદારોનો સળંગ કબજો રહેલો હોય અથવા આ જમીન તેઓ એકસાલી ધોરણે સતત ખેડતા આવેલ હોવા જોઇએ.

અરજદારને રીગ્રાન્ટ કરવાની થતી જમીન સિવાય અન્ય જમીન ધરાવતા હોય તો 'ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા-૧૯૭૬ 'ની જોગવાઇ ધ્યાને લઇ રીગ્રાન્ટ કરવાની રહેશે.

જમીન રીગ્રાન્ટ કરતી વખતે પ્રવર્તમાન જંત્રી કિંમત વસુલ લેવાની રહેશે.

અનુસૂચિત જાતિ / જનજાતિના લાભાર્થીઓના કિસ્સામાં જંત્રી કિંમતના ૫૦ ટકા રકમ વસુલ લેવાની રહેશે.

મોટા ઔદ્યોગિક પ્રોજેકટ માટે ફાળવેલ જમીનમાં આવી તગાવી પ્રકારની / સરકારી લેણાં પેટે હરાજ થયેલી જમીનોનો પોકેટ લેન્ડ તરીકે સમાવેશ થતો હોય ત્યાં ખાસ જોગવાઇ તરીકે આ પ્રકારની પોકેટ લેન્ડ જો પાંચ વર્ષના લોક ઇન પિરિયડ પૂર્ણ ન થયો હોય તે પહેલા ઉદ્યોગના હેતુ માટે જરૂર હોય તો આવી જમીનના સત્તાપ્રકારને ધ્યાને લીધા સિવાય પ્રિમિયમ ભરીને જ આવી જમીનો તબદીલ થઇ શકશે.

પરંતુ ઉકત સંજોગોમાં ઉદ્યોગ અને ખાણ વિભાગની ભલામણ અન્વયે મહેસૂલ વિભાગની પૂર્વમંજુરી કેસના ગુણદોષના આધારે મેળવવાની રહેશે. જેમાં નિયમોનુસાર પ્રિમીયમ પણ વસુલ કરવાનું રહેશે.

જમીન હરાજ થઇ સરકારી હેડે દાખલ થઇ તે તારીખે જમીનનો જે સત્તા પ્રકાર હશે તે સત્તા પ્રકારે જ જમીન રીગ્રાન્ટ કરવાની રહેશે. જમીન રીગ્રાન્ટ થયાના પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે વેચાણ, તબદીલ કે બીનખેતી કરી શકશે નહીં, પરંતુ પાંચ વર્ષ બાદ નવી શરતની જમીનો પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રિમિયમની રકમ વસુલ લઇ જુની શરતમાં રૂપાંતર કરી શકશે.

(3:45 pm IST)