Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અલ્પપોષણ ધરાવતા ૭૪ ટકા બાળકોમાં પેટ દુખાવાની સમસ્યા

ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓનો સર્વે : મોટાભાગના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ અંગે કોઈ માહિતી નથીઃવીકયુરા ટેક આરોગ્ય તપાસ, ડેટા સંગ્રહિત કરે છે

અમદાવાદ, તા.૨૨ : બાળકોના આરોગ્ય અને તંદુરસ્તીને કેન્દ્રમાં રાખતા યુવા અને અત્યંત ઝડપથી વિકસી રહેલા સ્ટાર્ટઅપ વીક્યુરા ટેક દ્વારા ગુજરાત રાજયની જુદી જુદી ૧૩ જેટલી શાળાઓમાં બાળકો-વિદ્યાર્થીઓના આરોગ્યવિષયક સર્વેની બહુ મહ્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, અલ્પ પોષણ ધરાવતા ૭૪ ટકાથી વધુ બાળકોમાં તાવ, ત્વચા પર ચકામા, સતત પેટમાં દુઃખાવા જેવી તબીબી સમસ્યાઓ જોવાઈ હતી. તો, ૪૩ ટકાથી વધુ વિદ્યાર્થીઓમાં દાંતને લગતી સમસ્યાઓ જોવાઈ હતી.  સૌથી નોંધનીય વાત એ સામે આવી હતી કે, મોટાભાગના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ અંગે બાળકો કે શાળાઓ કે વાલીઓ પાસે કોઇ માહિતી જ ઉપલબ્ધ ન હતી. વીકયુરા ટેક ભવિષ્યમાં અમ્યુકો સ્કૂલ બોર્ડની શાળાઓ અને સરકાર સાથે મળી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં પણ આરોગ્યવિષયક સર્વેની વિચારણા કરી રહ્યું છે એમ વીકયુરાના સ્થાપક શ્રી ધીરજ શર્માએ જણાવ્યું હતું.

            તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વીકયુરાના પ્લેટફોર્મ સાથે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ લોકો જોડાયા છે. જે પૈકીનો મોટો હિસ્સો એટલે કે ૭૫ ટકા, ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓનો છે. આપણાં દેશના માતાપિતા કે શિક્ષકો આરોગ્યની સંપૂર્ણ સમજને પ્રાથમિકતા નથી આપતાં. વિદ્યાર્થીઓના આરોગ્યને લગતી માહિતીની નોંધણી તથા તેની જાળવણી કરી તેમને યોગ્ય સંશાધનો કે ઉકેલો ઉપલબ્ધ બનાવવાની કામગીરીમાં શાળાકીય સ્તરે મોટી ઉણપ હોવાનું અમે અનુભવ્યું છે. ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓની નોંધણી બાદ શાળાઓ સાથે વહેંચવામાં આવેલા કેટલાંક મહત્વના તારણો સામે આવ્યા હતા. આ તારણની મદદથી શાળાઓ બાળકોના પોષણ પાછળ પોતાના સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકશે. શાળાઓ વ્યક્તિગત ધોરણે વિદ્યાર્થીઓની ફાઈલમાં આ માહિતી રાખે છે, આ આંકડાઓના સંકલનની મદદથી શાળાઓ નિયમિત ધોરણે આ ક્ષેત્રોમાં તબીબી સંસાધનો ઉપલબ્ધ બનાવવા સક્ષમ બનશે.

                   ૨૦૦ વિદ્યાર્થીઓને એલર્જીની સમસ્યા હોવાનું નોંધાયુ હતું. મોટાભાગના માતાપિતા(મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના)ને ખ્યાલ નથી હોતો કે એલર્જી એ ચિંતાનો વિષય છે અને તે માટે તબીબી સંભાળ જરૂરી છે. આ લોકોને તેની ગંભીરતા વિશે સમજ અપાઈ અને તેની તરફ ધ્યાન આપવું જરૂરી હોવાનું સમજાવાયું હતું. વીક્યુરા પ્લેટફોર્મની કામગીરી અને તેના ફાયદા વીક્યુરા પ્લેટફોર્મ એ માત્ર પ્રાથમિક તબીબી રેકોર્ડ્સની જાળવણી કરતા સ્થળથી વિશેષ છે, જ્યાં અમે બાળકોની આરોગ્યની પ્રોફાઈલ તૈયાર કરવામાં મદદરૂપ બનીએ છીએ.

માતા-પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની હેલ્થ પ્રોફાઈલ જોઈ શકવા ઉપરાંત તેનું વિશ્લેષણ કરી શકે છે. વીકયુરાના સ્થાપક શ્રી ધીરજ શર્માએ ઉમેર્યું કે, આ પ્લેટફોર્મની મદદથી વિદ્યાર્થીઓ તેમના રસના વિષયો વિશે સમજ કેળવી શકે છે તથા આત્મવિશ્વાસનું સ્તર ચકાસી શકવા ઉપરાંત ભાવિ કામગીરી માટે પોતાને વધુ સજ્જ બનાવવા માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીની પણ ચકાસણી કરી શકે છે. તે દર્દીના તમામ તબીબી રેકોર્ડ્સની સુલભ પહોંચ ઉપલબ્ધ બનાવે છે જે જરૂરિયાતના સમયે યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવા માટે વ્યક્તિગત રીતે અને ડોક્ટર્સ માટે ઉપયોગી થઈ પડે છે. વીક્યુરાના બીજા તબક્કામાં માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીને ડિજિટાઈઝ કરવા પર ભાર મુકાશે. અમે શાળાઓ તથા માતા-પિતાને બાળકોના આરોગ્યને લગતી માહિતીનું વિશ્લેષણ, તેમાં થતાં ફેરફારો, ટ્રેન્ડ્સ, આરોગ્યને લગતી ચિંતાઓ તથા અન્ય જરૂરી બાબતોથી માહિતગાર કરીશું.

(9:52 pm IST)